વુડાના ગુલાબી મકાનોમાં ગુંડાઓ નો લાલ પાણીનો અડ્ડો
શહેરના અટલાદરા વિસ્તાર ખિસકોલી સર્કલ પાસે કલાલીમાં વુડાના 2200 જેટલાં મકાનો સાત વર્ષ પેહલા બનાવવામાં આવ્યા હતા. એ સમય દરમિયાન જે તે વખતના સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે હતા. કમિશનરની ઉપસ્થિતિમાં આ મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા હતા. વુડાના મકાનમાં રહેતા રહીશોએ જણાવ્યું છે કે હાલમાં ગટરની સમસ્યા કાયમી છે અને પીવાનું પાણી પણ મળતું નથી અને અનેક પ્રાથમિક સુવિધાઓ સરકારે આપી નથી એવા આક્ષેપો કર્યા હતા.
ગુલાબી વુડાના મકાનો માં 1000 જેટલા મકાનો હાલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. કરોડોના ખર્ચે બનાવેલા વુડાના મકાનોમાં બારી બારણા સહિત વાયરીંગના સામાનો ચોરાઈ ગયા છે. બંધ મકાનમાં સંખ્યાબંધ દારૂની પોટલીઓ અને દારૂની બોટલો જોવા મળે છે. ખુલ્લી જગ્યામાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે મહિલાઓ સાથે દુષ્કૃત્ય બનાવો બને તો તેનો જવાબદાર કોણ? ગોરખ ધંધા પણ ચાલતા હોય એમ સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. સાથે પુષ્કળ ગંદકીની સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બનાવવામાં આવેલા વુડાના મકાનો જાળવણી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને એકવાર તંત્રને રજૂઆત કરી છતાં પણ વડોદરા મહાનગરપાલિકાનું પેટનું પાણી હાલતું નથી. એટલે કે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માગતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી આ ઉપરાંત વડોદરા ના મેયર, કમિશનર અને ચેરમેનને અપીલ કરતાં તેમણે જણાવ્યું આ તમામ આવાસની તપાસ કરવામાં આવે અને જે લાભાર્થીઓ લાભથી વંચિત હોય તેઓને આ મકાનની ફાળવણી કરવામાં આવે….