શહેરના વોર્ડ નં.12માં ત્રણ વર્ષથી ઉકેલ વિનાની સમસ્યા, તંત્ર અને કાઉન્સિલરો સામે નારાજગી
વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નં.12ના કલાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં છેલ્લા ત્રણ વર્ષથી પારાવાર ગંદકી ફેલાયેલી હોવાથી સ્થાનિક રહીશો અકળાઈ ગયા છે. ગટર ઉભરાવાની સમસ્યા, કચરો ન ઉપડવો અને તંત્ર દ્વારા કાર્યવાહી ન થવાને કારણે અહીં લોકોને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.

સ્થાનિકોની ફરિયાદ અનુસાર, અનેક વખત રજૂઆતો કરવા છતાં વોર્ડ નં.12ના કલાલી વિસ્તારમાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. વિસ્તારમાં ફેલાયેલી ગંદકીથી ઉત્પન્ન થતી દુર્ગંધ એટલી ભયાનક છે કે માથું ફાટી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. નાનાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી વારંવાર બીમારીનો ભોગ બને છે, જેને કારણે કામધંધો છોડીને હોસ્પિટલોના ચક્કર મારવા પડે છે.
રહેવાસીઓ જણાવે છે કે તેઓ ત્રણ વર્ષથી આ આવાસમાં રહે છે અને ત્યારથી સતત ગટર ઊભરાઈ રહી છે. પાલિકા ગટર સાફ કરવામાં કે કચરો ઉપાડવામાં રસ નથી લેતી. કચરા ઉપાડવાની ગાડી મહીનાઓથી નથી આવતી. આ પરિસ્થિતિએ રહીશોને દયનીય હાલતમાં મૂકી દીધા છે.

સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે, આ દયનીય પરિસ્થિતિ માટે વડોદરા મહાનગર પાલિકા તથા વોર્ડ નં.12ના કાઉન્સિલરો સમાન રીતે જવાબદાર છે. રહીશોએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, “અહીં રહેવા આવવું એ અમારી ભૂલ હતી, તેના કરતાં તો ઝૂંપડપટ્ટીમાં રહેવું સારું હતું.”
સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર તરત જ આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો તેઓ આંદોલનના રસ્તા પર ઉતરશે.
વડોદરા શહેર – વોર્ડ નં.12ની સમસ્યા માટે જવાબદાર કાઉન્સિલર અને સંપર્ક નંબરો
નામ મોબાઇલ નંબર
ટ્વિંકલ રૂપેશકુમાર ત્રિવેદી 9824369614
રીતા રવીપ્રકાશ સિંહ 9879183027
સ્મિત છગનભાઇ આરદેશણા 9897505139
મનીષ દિનકર પગાર 9824077074