એક તરફ શહેરમાં પાણીની તંગી, બીજી તરફ પાલિકાની બેદરકારીથી પીવાનું પાણી રસ્તા પર વહ્યું



વડોદરા શહેરના કલાલી રોડ વિસ્તારમાં આવેલ શહેર પાલિકાની માળખાકીય પાઇપલાઇનમાં શુક્રવારે અચાનક ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી બરબાદ થયું હતું. સફેદ ધોધની માફક પાણી રસ્તા પર વહેતા નજારો જોવા મળતાં સ્થાનિકો ભારે અચંબામાં મુકાઈ ગયા હતા.
શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી પીવાના પાણીની અછત અને વિતરણમાં થતી ખામીઓને લઈને નગરજનો પહેલેથી જ નારાજ છે. લોકો વોર્ડ કચેરીઓમાં જઈ ફરિયાદો કરી રહ્યા છે અને ક્યાંક આંદોલન પણ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો નાગરિકોએ માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આવી પરિસ્થિતિમાં કલાલી રોડ પર પીવાના પાણીની પાઇપલાઇન ફાટવાનો બનાવ નાગરિકોના ગુસ્સામાં વધારો કરે તેવી સ્થિતિ બની છે.
નગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે પાણીની સપ્લાય સુવ્યવસ્થિત બનાવવા વિવિધ યોજના હાથ ધરે છે, તેની મોટી મોટી જાહેરાતો પણ કરે છે. પરંતુ આવી ઘટનાઓમાં હજારો લિટર પાણી બરબાદ થવાથી પાલિકાની કામગીરી, દેખરેખ તથા ટકાઉ ઉકેલ અંગે અનેક સવાલો ઉભા થયા છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, પાઇપલાઇન વર્ષોથી જૂની થઈ ગઈ છે, તેનાં રિપેરિંગ કે રિપ્લેસમેન્ટ માટે કોઈ કાર્યવાહી થતી નથી. પાલિકા સમયસર કાર્યવાહી ન કરતી હોવાથી પાણી લીકેજ જેવી સમસ્યા વારંવાર ઊભી થાય છે. પાણીની અછત વચ્ચે હજારો લિટર પાણીનું વહેતું રહેવું વહીવટીતંત્રની બેદરકારી દર્શાવે છે.
આ ઘટનાને પગલે નાગરિકોએ માગણી કરી છે કે પાઇપલાઇનની તાત્કાલિક મરામત કરવામાં આવે તથા શહેરમાં પાણીના વેડફાટ સામે કડક પગલાં લેવામાં આવે.