Vadodara

કલાલી ફાટક નજીક પાણી લીકેજથી હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ

વારંવાર તૂટી રહેલી લાઈનોથી નાગરિકોમાં રોષ, પાલિકાની બેદરકારી સામે ઉઠ્યા સવાલો તાત્કાલિક મરામત અને કાયમી ઉકેલની માંગ

વડોદરા: શહેરમાં ફરી એકવાર પાણી વેડફાટના દૃશ્યો સામે આવ્યા છે. કલાલી ફાટક નજીક પીવાના પાણીની મુખ્ય લાઇનમાંથી ભારે લીકેજ થવાથી હજારો લિટર પાણી બેફામ રીતે વહેતું હતું. નવેમ્બર મહિનામાં પણ પીવા માટે પાણીની કટોકટી વેઠતા નાગરિકો માટે આવી સ્થિતિ નિરાશાજનક કહેવાય છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી આ વિસ્તારની પાણીની લાઇન વારંવાર તૂટી રહી છે. મરામત પછી થોડાં જ દિવસોમાં ફરી ભંગાણ સર્જાતા નાગરિકોને પુરતું પાણી ન મળી રહ્યું. છતાં પાલિકાના અધિકારીઓ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાને બદલે માત્ર તાત્કાલિક ઉકેલ આપી રહ્યાં છે, એવો આક્ષેપ પણ ઉઠ્યો છે.

લીકેજ સ્થળે વહેતા પાણીના કારણે રસ્તા પર પાણી ભરાઇ જવાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી. આસપાસના વિસ્તારના રહેવાસીઓએ તાત્કાલિક આધાર પર મરામત કામગીરી હાથ ધરવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે એક તરફ પાણીની ભારે અછત અને ટાંકી લાઈન પર નિર્ભરતા છે, ત્યારે હજારો લિટર પીવાનું પાણી નાળામાં વહેવું એ અધુરા આયોજન અને બેદરકારીનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.

સ્થાનિક નાગરિક સંગઠનોએ પાલિકાને નોટિસ આપી માંગ કરી છે કે પાણી લીકેજની વારંવારતા અટકાવવા માટે કાયમી ટેકનિકલ સર્વે કરવામાં આવે અને જૂની લાઇનને બદલી નવા પ્રકારના નેટવર્ક માટે આયોજન કરવામાં આવે. નાગરિકો કહે છે કે પાણી પુરવઠા વિભાગ દર વખતે મરામતનો દાવો કરે છે, પણ વાસ્તવમાં સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
પાલિકા અધિકારીઓ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવે છે. જો કે, નાગરિકોની માંગ છે કે ફક્ત તપાસ નહીં પરંતુ કાયમી ઉકેલ માટે જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે, જેથી આવનારા દિવસોમાં પાણીનો વેડફાટ ન થાય અને પીવાનું પાણી નાગરિકો સુધી નિયમિત પહોંચે.

Most Popular

To Top