ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની ગેરહાજરી જોવા મળી
મોટી સંખ્યામાં કામ અર્થે જતા વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા

( પ્રતિનિધી )વડોદરા,તા.1
વડોદરાના કલાલી વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે ગામ તરફ જવા માર્ગે ચારે બાજુથી ભારે ટ્રાફિકજામ થયો હતો.જેમાં એક 108 એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી.જેના સાયરન સતત ગુંજતા રહયા પણ રસ્તો મળ્યો ન હતો. બીજી તરફ સંખ્યાબંધ વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. જ્યારે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની અહીં ગેરહાજરી જોવા મળી હતી.

વડોદરા શહેરમાં ભરચક ગીર્દી ધરાવતા વિસ્તારોમાં આડેધડ થતા પાર્કિંગ તેમજ ખડકાયેલા દબાણોને કારણે અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જેનું આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી.જેના કારણે કામ અર્થે જતા લોકો હાલાકી વેઠી રહ્યાં છે. ત્યારે આજે કલાલી વિસ્તારમાં ગામ તરફ જવાના માર્ગે ચારે બાજુથી ભારે ટ્રાફિકજામ થયો હતો. જેમાં એક 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જેના સાયરન વાગ્યા કર્યા પણ રસ્તો મળ્યો ન હતો. બીજી તરફ અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોની ગેર હાજરી જોવા મળી હતી. જેના કારણે મોટી સંખ્યામાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. નોંધનીય છે કે, હાઈવે અને શહેરમાં દરરોજ ટ્રાફિકજામની સમસ્યા હવે આમ વાત બની ગઈ છે. જ્યારે હવે તહેવારોની ભરમાર સર્જાઈ છે. લોકો ખરીદી અર્થે ઉમટી રહ્યા છે. ત્યારે કેટલાક તત્વો દ્વારા જાહેર માર્ગો પર રસ્તાને અવરોધ રૂપ દબાણો ખડકવામાં આવી રહ્યા છે. જેના પર પાલિકાની કાર્યવાહી યોગ્ય થતી નહીં હોવાથી આજે પણ ટ્રાફિકજામની સમસ્યા વિવિધ વિસ્તારોમાં યથાવત જોવા મળી રહી છે.