વડોદરા: શહેરના કલાલી વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું છે, જ્યાં માત્ર થોડો વરસાદ પડતાં જ પાણી ભરાઈ જાય છે, અને વાહનચાલકો તથા રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, પાલિકા દર વર્ષે ચોમાસા પહેલા પ્રીમોન્સુન કામગીરીના મોટા દાવા કરે છે, પરંતુ હકીકતમાં સફાઈ અને નિકાસ વ્યવસ્થા યોગ્ય રીતે થતી નથી. પરિણામે, વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યાની પુનરાવૃત્તિ થાય છે. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને આ વર્ષે ફરીથી સમસ્યા યથાવત છે.
આ અંગે સ્થાનિકોમાં આક્રોશ છે કે, પાલિકા માત્ર વિશાળ પ્રોજેક્ટો પર ધ્યાન આપે છે, જ્યારે કલાલી જેવા વિસ્તારોની અવગણના થાય છે. લોકો સવાલ ઉઠાવે છે કે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ક્યારેય કાર્યવાહી થશે કે નહીં, કે પછી ટેક્ષ ભરનાર જનતાને ફરીથી મુશ્કેલી સહન કરવી પડશે.
પાલિકા પ્રશાસન પાસે માંગ કરી છે કે, તાત્કાલિક અસરથી સફાઈ અને નિકાસ વ્યવસ્થા સુધારી, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.