14 નિવૃત શિક્ષકોનું ઉ.માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અભિવાદન કરાયું
કલ્યાણનિધિના સભ્યના માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 18 તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાયા
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વર્ષ 2005 પહેલા નિમણૂંક પામેલ કર્મચારીઓને જૂની પેન્શનનો લાભ ઝડપથી આપવામાં આવ્યો હતો. જેની નોંધ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લેવામાં આવી હતી તેમજ વર્ષ 2005 પછી નિમણૂંક પામેલા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળે એ માટેની લડત સતત ચાલતી રહેશે તેવી સંઘના પ્રમુખ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
વડોદરા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્રારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના નિવૃત્ત શિક્ષકોનું અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં કુલ 14 જેટલા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષકોનું સાલ તેમજ બુકે દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલ્યાણનિધિના સભ્યના બાળકો, કે જેઓ માર્ચ 2025 ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા, તેવા કુલ 18 તેજસ્વી તારલાઓને ગીફટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સમારોહમાં વડોદરા શહેરના જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના રોનક ભટ્ટ, મિલન પટેલ, એમ.એસ. યુર્નિવર્સીટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અને યાદવ વિકાસ સંઘના પ્રમુખ ડો. દિનેશ યાદવ, ઈનસાઉડ સેન્ટર ફોર કાઉન્સિલિંગ એન્ડ લાઇકોલોજીકલ વેલનેસના ડાયરેકટર અને નોડલ ઓફિસર ડો. દીપલ ડી પટેલ, એડમિન સેલ ધર્મેશ પટેલ તેમજ અલગ અલગ સંઘના પ્રમુખ તેમજ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રેડિયો જોકી ક્ષિતીજભાઈએ સમાજમાં શિક્ષકની ભૂમિકા વિશે વધુ માહિતી આપી હતી. વર્ષ 2005 પહેલા નિમણૂંક પામેલ કર્મચારીઓને જૂની પેન્શનનો લાભ ઝડપથી આપવામાં આવ્યો હતો જેની નોંધ લેવામાં આવી હતી તેમજ વર્ષ 2005 પછી નિમણૂંક પામેલા કર્મચારીઓને પણ જૂની પેન્શન મળે એ માટેની લડત સતત ચાલતી રહેશે એવું આશ્વાસન સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર જોષી દ્વારા આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.