Vadodara

કરોડો રૂપિયાના ખર્ચે બનેલ વોર્ડ 1ની કચેરી જોઈ રહી છે લોકાર્પણની રાહ…

વહેલી તકે કચેરીનું ઉદ્ઘાટન કરવા કોંગ્રેસ કાઉન્સિલરે કરી માંગ..


વડોદરા શહેરના ટીપી 13 વિસ્તારમાં કરોડો રૂપિયા ના ખર્ચે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1 ની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઘણા સમયથી તૈયાર થઈ ગયેલ વોર્ડ નંબર 1 ની કચેરી તેના લોકાર્પણની રાહ જોઈને બેઠી છે. કે કોઈ મોટા નેતા આવશે અને તેનું ઉદ્ઘાટન કરશે. હાલ માં છાણી ગામમાં આવેલ પંચાયતની ઓફિસને બોર્ડ કચેરી તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જે કારણે નવા યાર્ડ વિસ્તારના લોકોએ કોર્પોરેશને લખતા કામો માટે છાણી માં જવું પડે છે. વોર્ડ નંબર 1 ના સૌ નાગરિકોને સરળતાથી પડે તે હેતુથી જ વિસ્તારના મધ્યમાં આ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે જગ્યા પર આ કચેરીનું નિર્માણ થયું છે તે જગ્યા એટલી વિશાળ છે કે કોર્પોરેશનને અને નાગરિકોને કોઈપણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે, મોટી સંખ્યામાં નાગરિકોના અને કોર્પોરેશનના વાહનો પાર્ક થઈ શકે છે.

હજુ લોકાર્પણ ન થયેલ આ કચેરીમાં ફર્નિચર ધૂળ ખાતું જોવા મળ્યું હતું. સવાલ એ ઉભો થાય છે કે પ્રજાના વેરાના રૂપિયાથી પ્રજા માટે જ જે કચેરી નું નિર્માણ થયું છે તેનાં લોકાર્પણ માટે કોની રાહ જોવાઈ રહી છે. મોટાભાગે એવું બનતું હોય છે કે આ પ્રકાર ની કચેરીના ઉદ્ઘાટન માટે રાજ્ય સરકાર ના મોટા મંત્રી ઉદઘાટક તરીકે આવતા હોય છે. તો શું આની પાછળનું કારણ એ છે કે ઉદ્ઘાટક પાસે સમય નથી એટલે હજી સુધી તૈયાર થયેલ વોર્ડની કચેરીનું ઉદ્ઘાટન કરાયું નથી ?

વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પાવ વાઘેલાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા જ સંપૂર્ણ બાંધકામ, કલર નું કામ, ફર્નિચરનું કામ પૂર્ણ થઈ ગયેલ હતું. અને ફક્ત વીજ જોડાણ કરવાનું બાકી હતું અને તે પણ હવે પૂર્ણ થયેલ છે. તો હવે વિસ્તારના નાગરિકો માટે આ કચેરી ખુલ્લી મુકવા માટે કોની રાહ જોવામાં આવી રહી છે તે સમજાતું નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉદ્ઘાટન કરવા માટે કોઈ નેતાનું નામ જો વડોદરા મહાનગરપાલિકા ના તંત્રને સમજાતું ન હોય તો વિસ્તારના નાગરિકો ના હસ્તે કે પછી કોઈ સિનિયર સિટીઝન ના હસ્તે ઉદ્ઘાટન કરી આ કચેરી નાગરિકોના હિતમાં ખુલ્લી કરવામાં આવે.

Most Popular

To Top