Vadodara

કરોડો રૂપિયાના ખર્ચે પ્રીમોન્સૂનની કામગીરી, છતાંય પૂરની સ્થિતિનું નિર્માણ: ચંદ્રકાંત ભથ્થું


વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલો

પ્રતિનિધિ, વડોદરા, તા. 25
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો , પરંતુ એક જ દિવસના વરસાદમાં વડોદરા મહાનગરપાલિકા ની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. વિશ્વામિત્રી નદીમાં તો પૂર આવ્યું ન હતું પરંતુ સમગ્ર શહેરમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. જે કારણે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થયા હતા.

વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ બાબતે મીડિયા સમક્ષ સત્તાધીશો અને અધિકારીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી તેમના દ્વારા મહાનગરપાલિકાની સભામાં આ બાબત પર રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી ન લઇ નજરઅંદાજ કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વરસાદી કાંસોમાં ગટરના જોડાણ કરવામાં આવે છે જેના લીધે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના નામ પર ફક્ત મૅનહોલ સાફ કરવામાં આવે છે. સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીને લીધે વડોદરા શહેરમાં આ પ્રકારે પૂર સ્થિતિનું નિર્માણ થયું છે.
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પ્લાનિંગ કરવામાં આવતું હોય ત્યારે સત્તા કે વિપક્ષ ને બાજુમાં મૂકી વડોદરા શહેરને કેવી રીતે સુરક્ષિત કરી શકાય તે માટે કામગીરી કરવી જોઈએ. તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ પર શાબ્દિક પ્રહારો કરીને કહ્યું કે મહાનગરપાલિકા પાસે ભણેલા ગણેલા અધિકારીઓ હોવા છતાં શહેરમાં વિના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય તો ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી બાબત છે.

Most Popular

To Top