બ્યુટીફિકેશનના નામે ઐતિહાસિક વારસાની દુર્દશા; બોરિંગ બંધ હાલતમાં હોવાથી સ્થાનિકો સ્વખર્ચે ટેન્કર મંગાવવા મજબૂર

વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આજે તંત્રની ઘોર બેદરકારીને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવનું બ્યુટિફિકેશન અને રીનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે આ તળાવમાં સુવિધાઓના નામે માત્ર ‘મીંડું’ જોવા મળી રહ્યું છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રીનોવેશન પહેલા આ તળાવ બારેમાસ પાણીથી ભરેલું રહેતું હતું. પરંતુ નવા નેટવર્ક અને વરસાદી ગટરોના જોડાણોમાં ફેરફારને કારણે હવે તળાવમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે. હાલમાં પાણીનું સ્તર એટલું ઘટી ગયું છે કે તળાવમાં રહેલી હજારો માછલીઓ અને કાચબા જેવા જળચર જીવોના જીવ જોખમમાં મુકાયા છે. રહિસોને ભય છે કે જાન્યુઆરીના અંત સુધીમાં જો કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો તળાવ સંપૂર્ણ સુકાઈ જશે અને જળચર જીવોના મૃત્યુથી ભારે દુર્ગંધ ફેલાશે.
તળાવમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે લાખોના ખર્ચે બોર બનાવવામાં આવ્યા હતા, પરંતુ મેન્ટેનન્સના અભાવે આ બોર હાલ બંધ હાલતમાં છે. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવામાં આવ્યો છે, જ્યારે જમીની હકીકત અલગ છે. તળાવની આસપાસ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. એન્ટ્રી પોઈન્ટ પર કચરાના ઢગલા અને ઝાડી-ઝાંખરાઓને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અબોલ જીવોને બચાવવા માટે વિસ્તારના લોકોએ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવી તળાવમાં ઠાલવવા પડી રહ્યા છે. ગાયકવાડી શાસનકાળમાં જે તળાવમાં લોકો સ્વિમિંગ અને બોટિંગ કરતા હતા, તે તળાવ આજે માત્ર મેદાન બની જવાની આરે છે.
વિસ્તારના રહીશો અને સામાજિક કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત લેવા અને તાત્કાલિક ધોરણે નવા મોટા બોર બનાવી તળાવમાં પાણી ભરવા માંગ કરી છે. આ ઉપરાંત, તળાવની આસપાસ ગંદકી કરનારા તત્વોને રોકવા માટે ફરીથી સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.