સ્વચ્છતા સર્વેક્ષણના ભીંતચિત્રો સામે જ કચરાના ઢગ
વડોદરા શહેરના વોર્ડ નં. 10માં ગંદકીના ઢગ જોવા મળતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ખાસ કરીને ગોત્રી જીઇબી મુખ્ય ઓફિસ માર્ગ પર આવેલા કલ્પવૃક્ષની સામે કચરાના ઢગ જોવા મળતા શહેરની સ્વચ્છતા અંગે પ્રશ્ર્નો ઉઠવા પામ્યા છે.


આમ તો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઈ સ્પષ્ટ અને અસરકારક પરિણામ જોવા મળતું નથી.
વિરોધાભાસ એ છે કે જ્યાં-જ્યાં સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવા માટે ભીંતચિત્રો અને સુત્રલેખન કરવામાં આવ્યું છે, ત્યાં જ કચરાના ઢગ જોવા મળે છે. ગોત્રી જીઇબી રોડ પર પણ ‘ગંદકી દૂર ભગાવો’ અને ‘સ્વચ્છત સર્વેક્ષણ 2023’ ના પેન્ટિંગ્સ જોવા મળે છે, પણ તેના આગળ જ કચરાના ઢગ જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગંદકી અને નિકાલની અવ્યવસ્થાને લઈને અવાર નવાર સવાલો થયા છે. સવાલ એ છે કે જયારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરી રહ્યું છે, ત્યારે શહેરમાં ગંદકી યથાવત કેમ ? શું તંત્ર માત્ર સરકારી આંકડા સુધારવા માટે કામ કરી રહ્યું છે ?
દર વર્ષે સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે. ત્યારે આગામી સર્વેક્ષણ નજીક આવી રહ્યું છે, અને આ સ્થિતિ જો ઓછી નહીં થાય તો શહેરનું રેન્કિંગ ખરાબ થવાની પણ સંભાવના છે. વડોદરામાં સફાઈ તંત્ર દ્વારા નગરજનોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે, ઠેર ઠેર મોટા હોર્ડીંગ પણ લગાવવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે અમુક વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ દેખાય છે. વડોદરાની તુલના અન્ય મહાનગરો સાથે કરવામાં આવે તો સફાઈ વ્યવસ્થામાં હજુ પણ મોટી ખામીઓ છે. નાગરિકોના આરોગ્ય અને શહેરી સુવિધાઓની દ્રષ્ટિએ તંત્રે કડક પગલા ભરવાની જરૂર છે.
