કર્મચારીઓના પી.એફ. અને લાભોમાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે રેલી કાઢી વિરોધ કરવા નીકળેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત

(પ્રતિનિધિ) નડિયાદ, તા.28
નડિયાદ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ અને અન્ય કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું, જેને પગલે પોલીસે તેમની અટકાયત કરી છે. નડિયાદના સંતરામ રોડ સર્કલ પાસે આવેલા રામજી મંદિરથી મનપા સુધી બેનરો સાથે રેલી કાઢવાની કોશિશ કરી રહેલા ભટ્ટ, પૂર્વ કાઉન્સિલર ગોકુલ શાહ, દેવેન્દ્ર પટેલ (ગગલદાસ), ઐયુબખાન પઠાણ સહિતના તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને પોલીસે અટકાવ્યા હતા.
નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા અને હવે મહાનગરપાલિકાના કર્મચારીઓના પગારમાં થયેલા કથિત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને ડેપ્યુટી કમિશનર-પ્રથમ અપીલ અધિકારી મહેન્દ્ર દેસાઈ વચ્ચે કલાકો સુધી ઉગ્ર બોલાચાલી ચાલી હતી. આ ભ્રષ્ટાચારના મુખ્ય આરોપોમાં મહાનગરપાલિકા બન્યા બાદ જાન્યુઆરીથી મે મહિના સુધી રાધે એજન્સી દ્વારા કર્મચારીઓને પગાર સાથે મળતા અન્ય લાભોથી વંચિત રાખવાનો, તેમજ 11 મહિનાના કરારી કર્મચારીઓને પણ પીએફ (PF) અને ઇએસઆઈ (ESI) જેવા લાભો ન ચૂકવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એ-વન સિક્યુરિટી એજન્સી પર પણ સરકારી નિયમ મુજબ 16,000 રૂપિયાને બદલે માત્ર 8,000થી 9,000 જેટલું જ વેતન ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે. આ એજન્સીએ પીએફ અને ઇએસઆઈ સહિતના લાભો પણ ન આપ્યા હોવાનું કહેવાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, 2019માં રાધે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયા બાદ તેણે 2021માં જ ઇએસઆઈ નંબર લીધો હોવાનું બહાર આવ્યું છે. આથી 2019થી 2021 સુધી કર્મચારીઓને પીએફ અને ઇએસઆઈનો લાભ ન આપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. આજે આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.