વોર્ડ નં. 8 ની કચેરીએ પ્લે-કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન”
વિકાસના બણગાં વચ્ચે જનતા ગંદકીમાં રહેવા મજબૂર; તંત્રને જગાડવા સ્થાનિકોનો આક્રોશ
વડોદરા મહાનગર સેવા સદનના સીમાડા વિસ્તારો ના વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. પાંચ વર્ષ અગાઉ પાલિકામાં સમાવાયેલા કરોડીયા ગામની ક્ષત્રિય સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક રહીશોએ આજે રોષે ભરાઈને સુભાનપુરા વોર્ડ નં. 8 ની કચેરી ખાતે પ્લે-કાર્ડ સાથે હલ્લાબોલ કરી તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
ક્ષત્રિય સોસાયટીના મુખ્ય માર્ગોથી લઈને ગલીઓ સુધી ગટરના કાળા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી આ સ્થિતિ હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી. ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે ઘરે-ઘરે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાના ખાટલા મંડાયા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.
સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે ચૂંટાયેલા કોર્પોરેટરોને અનેકવાર રૂબરૂ મળીને રજૂઆત કરી છે, પરંતુ દર વખતે માત્ર આશ્વાસન જ મળે છે. પાલિકા તંત્ર દ્વારા કરોડોના વિકાસના કામોની જાહેરાતો થાય છે, પરંતુ અમારી પાયાની જરૂરિયાત એવી ગટર વ્યવસ્થા પણ ઠીક કરવામાં આવતી નથી.”
મોટી સંખ્યામાં સોસાયટીની મહિલાઓ અને પુરુષો સુભાનપુરા સ્થિત વોર્ડ નં. 8 ની કચેરીએ પહોંચ્યા હતા. “અમને ગંદકીમાંથી મુક્તિ આપો” અને “તંત્ર જાગો” જેવા લખાણવાળા પ્લે-કાર્ડ સાથે રહીશોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.