Singvad

કરમાદી પાણી યોજના તૈયાર છતાં ઉદ્ઘાટનની રાહમાં અટવાઈ: ૬૫ ગામોના બે લાખ લોકો આજે પણ શુદ્ધ પાણીથી વંચિત

રૂ. ૧૦૫ કરોડની યોજના પૂર્ણ હોવા છતાં ત્રણ તાલુકામાં પાણી વિતરણ શરૂ નહીં

૩૪૯ કિમી પાઈપલાઈન નેટવર્ક તૈયાર છતાં ઉદ્ઘાટનના અભાવે યોજના અટકી
સિંગવડ :
સિંગવડ તાલુકાના કરમાદી ગામે રૂ. ૧૦૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી જૂથ પાણી પુરવઠા યોજના ઉદ્ઘાટનની રાહ જોઈ રહી હોવાથી ત્રણ તાલુકાના અંદાજિત બે લાખથી વધુ લોકો આજે પણ પીવાના શુદ્ધ પાણીથી વંચિત હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
કડાણા બલ્ક પાઈપલાઈન આધારિત લીમખેડા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત સિંગવડ તાલુકાના ૧૮ ગામ, લીમખેડા તાલુકાના ૫૩ ગામ અને ઝાલોદ તાલુકાના ૪ ગામ સહિત કુલ ૬૫ ગામોની અંદાજિત ૨,૧૦,૦૦૦ વસ્તીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ૨૦.૭૦ એમએલડી ક્ષમતાવાળો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૬૭ સંપ, ૪૦ પાણીની ટાંકીઓ અને ૪૪ કિમી ડીઆઈ પાઈપલાઈન બિછાવવાનું કામ હાથ ધરાયું હતું.
આ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત તા. ૨૫-૦૩-૨૦૨૩ના રોજ દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું. કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા તા. ૦૪-૦૨-૨૦૨૪ નક્કી કરવામાં આવી હતી. આધારભૂત સૂત્રો મુજબ એજન્સીએ કામગીરી સમયસર પૂર્ણ કરી દીધી હોવા છતાં આજદિન સુધી યોજના શરૂ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે ૩૪૯ કિલોમીટર લાંબી પાઈપલાઈનનું નેટવર્ક પણ તૈયાર છે, છતાં ઉદ્ઘાટનના અભાવે ત્રણેય તાલુકાના લોકો સુધી પાણી પહોંચતું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ શુદ્ધ પીવાના પાણી માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિકોમાં અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે કે આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ મૂળભૂત સુવિધા જેવી કે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ ન થવું ચિંતાજનક બાબત છે. લોકો હવે સ્પષ્ટપણે કહી રહ્યા છે — “અમને ઈંતેજારી નહીં, શુદ્ધ પાણી જોઈએ.”

રિપોર્ટર: કલ્પેશ શાહ

Most Popular

To Top