Charotar

કરમસદ પાલિકામાં 3 બિલ્ડરે બોગસ આકારણી કરાવી

કરમસદ પાલિકાના પૂર્વ પ્રમુખ દર્શનાબહેન પટેલના પતિ ધ્રુવલનું કારસ્તાન ખુલ્યું

કરમસદ પાલિકાના વિદેશ જતા રહેલા કર્મચારીના આઈડીનો ઉપયોગ કરી 93 મિલકતની ગેરકાયદેસર આકારણી કરી

(પ્રતિનિધિ) આણંદ તા.15

કરમસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દર્શનાબહેન પટેલના પતિ ધ્રુવલ પટેલે પાલિકાના જ પૂર્વ કર્મચારીના આઈડીનો ઉપયોગ કરી બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી 93 મિલકતની બોગસ આકારણી કરી હતી. આ મામલાનો ઘટસ્ફોટ થતાં તપાસનો ધમધમાટ થયો હતો. જે સંદર્ભે પાલિકાના કલાર્કે વિદ્યાનગર પોલીસ મથકે ત્રણ બિલ્ડર અને પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

કરમસદ નગરપાલિકામાં છેલ્લા 34 વર્ષથી કલાર્ક તરીકે ફરજ બજાવતાં પરેશ ભુપેન્દ્રભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, કરમસદ પાલિકામાં ઓક્ટોમ્બર-2023થી વધારાનો ટેક્સ વિભાગનો હવાલો મારી પાસે છે. આ ઉપરાંત પાલિકાનો વહીવટી ચાર્જ પણ પહેલેથી જ છે. અગાઉ મિલકત આકારણીનું કોમ્પ્યુટરનું કામકાજ કૌશલ નિલેશભાઈ દેસાઇ ફેબ્રુઆરી-2022થી કરે છે અને કરમસદ પાલિકા વિસ્તારમાં આવેલી મિલકતોની આકારણીનું કામકાજ 1લી જાન્યુઆરી,2024થી બંધ કર્યું છે. દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે, 11મી ફેબ્રુઆરી,2024, 17મી ફેબ્રુઆરી 2024 અને 18મી ફેબ્રુઆરી 2024ના રોજ બે રવિવારના દિવસોમાં કરમસદ પાલિકા વિસ્તારમાં આવેલી મિલકતોની કુલ 93 મિલકતોની આકારણીઓ બારોબાર થઇ છે. આ અંગે તાત્કાલિક તપાસ કરતાં જે 93 મિલકતની આકારણી થઇ હતી. તેનો યુઝર આઈડી અને પાસવર્ડ પાલિકામાં બે વર્ષ પહેલા નોકરી કરતા અને હાલ કેનેડામાં રહેતા અવિનાશ દિનેશ પટેલના નામે ફાળવવામાં આવ્યો હતો. આ કર્મચારી સપ્ટેમ્બર-2022ની સાલમાં કેનેડા જતો રહ્યો છે અને તેણે જે તે વખતે નોકરી મુકી દીધી હતી. તેના નામના યુઝર આઈડીનો કોઈએ ઉપયોગ કરી મિલકતોની આકારણી ઉપરોક્ત તારીખ, સમય દરમિયાન કરી દીધી છે. આ મિલકતો સમર્થ ટાઉનશીપ, શ્યામ બિલ્ડકોન તથા મારૂતિ હાઈટ્સની મિલકતોનો સમાવેશ થાય છે. આ અંગે છેક ગાંધીનગર ઇ-નગર હેલ્પ ડેસ્ક ખાતેથી માહિતી મંગાવતા આઈપી એડ્રેસ મળી આવ્યાં હતાં. જ્યારે મિલકતો પૈકી સમર્થ ટાઉનશીપ, શ્યામ બિલ્ડકોનના સાધનિક કાગળોની ફાઇલ નગરપાલિકામાં રજુ કરવામાં આવી નહતી. જ્યારે મારૂતી હાઈટ્સ બિલ્ડીંગની ફાઇલ 7મી ફેબ્રુઆરી, 2024ના રોજ પાલિકામાં ઇનવર્ડ કરવામાં આવી છે. પરંતુ તેના પરનો નિર્ણય પડતર હતો. તેમ છતાં કોઇ શખ્સે કોઇ પણ રીતે પાલિકાના પૂર્વ કર્મચારી અવિનાશ દિનેશ પટેલને ફાળવવામાં આવેલા યુઝર આઈડીનો ઉપયોગ કરી આ 93 મિલકતોની આકારણી કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસમાં તાત્કાલિક અસરથી અરજી આપવામાં આવી હતી. આ અરજી આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

આ અંગે પોલીસે સમર્થ ટાઉનશીપના બિલ્ડર અકબર અલીભાઈ રત્નાણીની 28, મારૂતિ હાઈટ્સ બિલ્ડીંગના બિલ્ડર દશરથ કાંતિ પટેલની કુલ 35, શ્યામ બિલ્ડકોનના બિલ્ડર જતીન રમેશ પટેલની 30 મિલકતોની આકારણી સત્તાધિકારીની મંજુરી વગર અને સરકારે નિયત કરેલી પાલિકાની કચેરી સિવાય અન્ય જગ્યાએ ઓનલાઇન અપલોડ કરી હતી. તેની આકારણી શીટ કઢાવી લીધેલી હોય તે બાબતે પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ પુછપરછમાં બિલ્ડર અકબર અલી રત્નાણી, દશરથ કાંતિ પટેલે પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે, પોતે બનાવેલી સોસાયટીના મકાનોની આકારણી કરમસદ નગરપાલિકાને સુચિત આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે તે બાદ કરવામાં આવશે. તો અમોને મોટું નુકશાન થઇ શકે તેમ છે. આથી, પાલિકામાં અગાઉ પ્રમુખ તરીકે રહેલા દર્શનાબહેનના પતિ ધ્રુવલ જગદીશ પટેલએ જણાવ્યું હતું. જેથી તેમની વાત માનીને તૈયાર થયેલા મકાનોની આકારણી કરવા માટેના જરૂરી દસ્તાવેજોની ફાઇલ તેમને આપી હતી અને તેઓએ આકારણી થયેલી મિલકતોના નંબર સાથેનું લીસ્ટ આપી કરમસદ પાલિકામાંથી આકારણી શીટ મેળવી લેવા જણાવ્યું હતું. આથી, પાલિકામાંથી આકારણી શીટો મેળવી લીધી હતી. આમ ત્રણેય બિલ્ડરે ગેરકાયદેસર કામ ધ્રુવલ જગદીશ પટેલ મારફતે કરાવ્યું હતું.

આણંદ ગ્રામ્ય મામલતદારે મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક પોલીસ કાર્યવાહી માટે આદેશ કર્યો હતો. આથી, કલાર્ક પરેશ ભુપેન્દ્રભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ધ્રુવલ જગદીશ પટેલ, દશરથ કાંતિ પટેલ, અકબર અલી રત્નાણી અને જતીન રમેશ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top