Vadodara

કરજણ સેવા સદનમાં મધમાખીનો આતંકઃ ડંખથી બચવા પ્લાસ્ટિક ઓઢીને ભાગ્યા



વડોદરાના કરજણ તાલુકા સેવા સદન ખાતે ચોંકાવનારી ઘટના બની હતી. સેવા સદનમાં અચાનક મધમાખી ઉડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક મધપૂડામાંથી એકાએક મધમાખી ઉડતાં ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી હતી. જેના કારણે લોકો ઓફિસમાં દરવાજા બંધ કરીને પૂરાઈ ગયા હતાં. જોકે, મધમાખીના આતંકનો અનેક વ્યક્તિઓ ભોગ બન્યા હતાં. વડોદરાના કરજણ ખાતે સેવા સદનની બિલ્ડીંગમાં મધમાખીએ પોતાનો મધપૂડો બનાવ્યો હતો.
જ્યાંથી એકાએક મધમાખીઓ ઉડતાં તેનાથી બચવા નાસભાગ થઈ ગઈ હતી. જોકે, મધમાખીઓનો આતંક વધતાં કર્મચારીઓએ કચેરીના દરવાજા બંધ કરી પોતે અંદર પૂરાઈ ગયાં હતાં. સમગ્ર નાસભાગ દરમિયાન ત્રણથી ચાર લોકોને મધમાખીએ ડંખ મારતા ઈજાગ્રસ્ત થયાં હતાં. ઘણાં લોકો મધમાખીના ડંખથી બચવા માટે માથે પ્લાસ્ટિક તેમજ ન્યૂઝ પેપર ઓઢીને નીકળતાં જોવા મળ્યાં હતાં.
સમગ્ર ઘટના દરમિયાન તાત્કાલિક ધોરણે 108 બોલાવવામાં આવી હતી. 108 આવ્યા બાદ ઘાયલ દર્દીઓની સારવાર અંગે જરૂરી કાર્યવાહી કરી મધમાખીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે, મધમાખીના આતંકના કારણે ઘણાં કલાકો સુધી કચેરીનું કામકાજ બંધ રહ્યું હતું. તેમજ ત્યાં હાજર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top