માનીતાને ગોઠવવા રાજકીય આકાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું!



કરજણ નગર પાલિકામાં ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઇ છે. તે બાદ હવે કરજણ નગર પાલિકા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાગ લેવા માટે પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષક જાનવીબેન વ્યાસ અને સનમ પટેલ વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ હાજર રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે રોસ્ટર અનુસાર, સામાન્ય કેટેગરીમાંથી આવતા મહિલાના ફાળે આ પદ જશે. નિલમબેન ચાવડા, લીલાબા અટાલિયા, ઉર્વશીબેન સિંધા, નેહાબેન શાહ, અને જ્યોતિબેન ચાવડા રોસ્ટર મુજબની લાયકાત ધરાવે છે.
કરજણથી ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે, કરજણ નગર પાલિકાની ચૂંટણીના પરિણામો તમે જોયા છે. ભાજપ સ્પષ્ચ બહુમતિ સાથે પોતાનું બોર્ડ રચવા જઇ રહ્યું છે. તેની પ્રક્રિયાના ભાગરૂપે આજે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલું છે. નગર પાલિકા પ્રમુખના ઉમેદવાર સામાન્ય અને મહિલાના છે, તેઓ સેન્સ પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા છે. કરજણ નગર પાલિકામાં વિકાસ ચાલી રહ્યો છે. તેનાથી તિવ્ર ગતિથી વિકાસ થાય તેવા પ્રમુખ અમે ઇચ્છી રહ્યા છીએ.
પ્રબળ દાવેદારો પૈકી ઈલાબા અટાલિયા અગાઉ વર્ષ 2012માં કોંગ્રેસ માંથી નગરપાલિકા પ્રમુખ પદે બિરાજમાન હતા જ્યાં તેઓ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી હતી અને તેઓને કોંગ્રેસના જ સભ્યોએ પદ પરથી ઉતારી દીધા હતા. જે બાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અને નગરપાલિકામાં ભાજપની પેનલ માંથી ચુંટણી લડીને આ વખતે વોર્ડ 1 માંથી વિજેતા થયા છે.
તો બીજી તરફ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ કરજણ નગરપાલિકાની ચુંટણીના “સ્વઘોષિત પ્રભારી” એવા ડો. વિજય શાહના નિકટના કહેવાતા વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી વૃશાંગ શાહના માતા નેહાબેન શાહની દાવેદારી વધુ મજબુત બની છે. નેહાબેનના સસરા લગભગ 6 ટર્મથી કરજણ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટાઇ આવતા હતા. વોર્ડ 6ના વિજેતા ઉમેદવાર નેહાબેન અને તેઓનો પરિવાર વડોદરા શહેરમાં સ્થાયી થયો છે. જોકે તેઓના પરિવારના રાજકીય મુળિયા કરજણ નગરપાલિકામાં જોડાયેલા છે. ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહના મજબુત સમર્થન સાથે તેઓની દાવેદારી પણ વધુ પ્રબળ છે. પણ શહેર અને જીલ્લા બંનેના રાજકારણમાં શક્રિય રહેતા પરિવારમાં એક જ હોદ્દો મળી શકે તેવી સ્થિતિ સર્જાય તો નેહાબેનની દાવેદારી પર પણ પૂર્ણવિરામ મુકાઈ જાય તેવી સ્થિતિ છે.
આગામી 28 તારીખે નિરીક્ષકો દ્વારા સંભવિત ઉમેદવારો અને ચુંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆત પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મુકવામાં આવશે. જે બાદ પ્રમુખ પદના નામની જાહેરાત થશે.
