સતીશ પટેલના સમર્થકો તરીકે ઓળખાતા કેટલાક અપક્ષ ઉમેદવારો પણ મેદાને
ભાજપના બળવાખોરોને ‘આપ’નો સાથ
કરજણ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપે ગતરોજ મોડી સાંજે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો અને પક્ષના કેટલાક જૂના નેતાઓએ આમ આદમી પાર્ટી તરફ વળીને ઉમેદવારી નોંધાવી છે. આ કારણે કરજણમાં રાજકીય ગરમાવો સર્જાયો છે.
ભાજપના અસંતુષ્ટ નેતાઓએ AAPનો આશરો લીધો છે, જેમાં ઘણા ભૂતપૂર્વ કોર્પોરેટરો અને નગરપાલિકા પ્રમુખો સામેલ છે. ખાસ કરીને, વોર્ડ 1 થી 7 સુધીના ઉમેદવારોમાં ઘણા એવા નામ છે, જેમણે અગાઉ ભાજપના ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા.
કયા નેતાઓએ AAPમાંથી ઉમેદવારી નોંધાવી ?
વોર્ડ 1: મનુભાઈ વસાવા (પૂર્વ નગરપાલિકા પ્રમુખ), મહંમદ સૈયદ (કોર્પોરેટર), પ્રકાશ રોહિત (કોર્પોરેટર)
વોર્ડ 2: વનરાજસિંહ રાઉલજી (પૂર્વ કારોબારી ચેરમેન), અલ્પાબેન ચૌહાણ (પૂર્વ કોર્પોરેટર), દેવલબેન ભરવાડ (પૂર્વ કોર્પોરેટર)
વોર્ડ 3: દિગ્વિજયસિંહ અટોદરીયા (પૂર્વ કોર્પોરેટર), યુવરાજસિંહ રાઉલજી (કરજણ નગર ઉપપ્રમુખ), દીપમાલાબા રણા (પૂર્વ કોર્પોરેટરના પત્ની), તૃપ્તિબેન ઠાકોર (ઓબીસી મોર્ચા મંત્રી)
વોર્ડ 4: મીનાબા જીતેન્દ્રસિંહ ચાવડા (પૂર્વ નગરપાલિકા પ્રમુખ)
વોર્ડ 5: જ્યંતીભાઈ માછી
વોર્ડ 6: પૂનમ પ્રજાપતિ (ઉપ પ્રમુખ, ઓબીસી મોર્ચા)
વોર્ડ 7: મહંમદભાઈ સિંધી (પૂર્વ કારોબારી ચેરમેન), ભરતસિંહ અટાલિયા (પૂર્વ ઉપપ્રમુખ), ચિરાગભાઈ માછી (ઓબીસી મોર્ચા મંત્રી)
સતીશ પટેલે કહ્યું; ‘બળવાખોરોને સસ્પેન્ડ કરીશું’
ભાજપના જિલ્લા પ્રમુખ સતીશ પટેલે આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે પક્ષે ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા નેતાઓને ટિકિટ ન આપવાનું નક્કી કર્યું છે જેથી નવા ચહેરાઓને તક મળી શકે. આ નિર્ણયના કારણે કેટલાક જૂના નેતાઓમાં નારાજગી જોવા મળી છે. વધુમાં તેમણે કહ્યું આગામી સમયમાં બળવો કરનારાઓને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવશે અને દાવો કર્યો કે ભાજપ કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં બહુમતીથી જીતશે.
ભાજપના અધિકૃત ઉમેદવારોની યાદી
વોર્ડ 1: ઉર્મિલાબેન રોહિત, ઇલાબા અટાલીયા, હરીભાઇ ભરવાડ, મોહસીન દીવાન
વોર્ડ 2: મનીષાબેન પાટણવાડીયા, નિલમબેન ચાવડા, ઉપેન્દ્ર શાહ, પરેશ ઠાકોર
વોર્ડ 3: કૈલાશબેન બારીયા, ઉષાબહેન સિંધા, નરેશભાઈ પંડ્યા, નિખીલકુમાર ભટ્ટ
વોર્ડ 4: દિવ્યાબેન વસાવા, તરૂણાબેન રાજ, જયેશકુમાર પરમાર, સાજનભાઈ ભરવાડ
વોર્ડ 5: લક્ષ્મીબેન પરમાર, સુમિત્રાબેન માછી, અશોકભાઈ વસાવા, અર્જુનસિંહ અટાલીયા
વોર્ડ 6: નેહાબેન શાહ, જ્યોતિબેન ચાવડા, ઘુઘાભાઈ ભરવાડ, જયેશભાઈ પટેલ
વોર્ડ 7: જ્યોતિબેન વસાવા, મુમતાઝ મુલતાની, અલ્પેશભાઈ રંગપુરિયા, પ્રણવરાજસિંહ અટાલીયા
ભાજપ માટે કરજણમાં અસંતુષ્ટોનો બળવો નવી મુશ્કેલી ઊભી કરી શકે છે. AAP માટે આ એક મોટી તક બની શકે છે, કેમ કે બળવાખોરો પક્ષની જૂની ઓળખ ધરાવે છે અને વોટબેન્ક પર અસર કરી શકે છે. જો કે, BJPએ નવી જનરેશનના નેતાઓને આગળ લાવી આ ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આગામી ચૂંટણીમાં આ બળવો કેટલી અસર કરશે, તે જોવાનું રસપ્રદ રહેશે.
ભાજપના અસંતુષ્ટ હોદ્દેદારો અપક્ષ તરીકે પણ મેદાનમાં
કરજણ નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક અસંતુષ્ટ હોદ્દેદારો અપક્ષ તરીકે પણ મેદાનમાં ઉતર્યા છે, જેનાથી ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે. વોર્ડ 4માં પૂર્વ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ચાવડાના પત્ની, વોર્ડ 5માં કિસાન મોર્ચાના મહામંત્રી વીરેન્દ્રસિંહ સોલંકી, અને વોર્ડ 6માં યુવા મોર્ચાના પૂર્વ પ્રમુખના પત્ની ભાવિષાબેન પટેલ, દિલીપસિંહ રાજ, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંયોજક ચિરાગભાઈ પરમાર, અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ વિપુલભાઈ પાટણવાડીયા અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને, સતીશભાઈ પટેલના સમર્થકો તરીકે ઓળખાતા કેટલાક અપક્ષ ઉમેદવારો ભાજપ માટે પડકાર સર્જી શકે છે.
