વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય ગરમાવો
વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકામાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. તે પૂર્વે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શુક્રવારે સાંજે 5 વાગ્યે પ્રચાર પ્રસાર શાંત પડયા, પરંતુ એ પહેલાં મતદારોને રીઝવવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કેટલાક અસંતુષ્ટો આપ પાર્ટીમાં જોડાતા કરજણ નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
કરજણ નગરપાલિકા માટે સાત વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખવા માટે સંપૂર્ણ મહેનત લગાવી છે. જો કે, ટિકિટ ન મળતા ભાજપના જ કેટલાક અસંતુષ્ટ સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે, જેના કારણે ભાજપ માટે નવો પડકાર ઉભો થયો છે. ચૂંટણીમાં વિરોધ પક્ષો પણ વચનો અને વાયદાઓ સાથે જનતાને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
કરજણ નગરપાલિકા સિવાય, વડોદરા જિલ્લાના સાવલી, પાદરા, વડોદરા તાલુકાની કોયલી, દશરથ, નંદેસરી, વડુ અને સાધલી સહિતની સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર પણ ચૂંટણી યોજાશે. મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે થાય તે માટે 300થી વધુ પોલિંગ સ્ટાફ અને 200થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. શુક્રવારે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા હતા. રાજકીય પક્ષોએ આ છેલ્લી ઘડીમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા અલગ અલગ ઘોષણાઓ કરી છે. કરજણ નગરપાલિકામાં ભાજપ પોતાનું શાસન જાળવી રાખશે કે કોઈ નવી પાર્ટી ચમત્કાર કરશે તે જોવું રસપ્રદ રહેશે.
કરજણ નગરપાલિકા માટે ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર :
કુલ વોર્ડ: 7
કુલ બેઠકો: 28
કુલ મતદારો: 27,177 (પુરુષ: 13,489, મહિલા: 13,679, અન્ય: 9)
ઇવીએમની વ્યવસ્થા: BU-38, CU-76
પોલિંગ સ્ટાફ: 178
સુવિધા માટે પોલીસ સ્ટાફ: 84
