મૃત્યુ પામેલા અને બચી ગયેલા વ્યક્તિઓ દિવાળીપુરા ગામના રહેવાસી
શિનોર: શિનોર તાલુકામાં મીઢોળ ગામ પાસેથી નીકળીને કરજણ તાલુકાના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક કાર GJ 6 FQ 6838 અચાનક કેનાલમાં ખાબકતા તેમાં સવાર ચાર લોકોમાંથી બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બેને આબાદ રીતે બચાવી લેવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં બે વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે, કમનસીબે અન્ય બે વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થતાં તેમના મોત નિપજ્યા હતા.

પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલા અને બચી ગયેલા વ્યક્તિઓ દિવાળીપુરા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસ દ્વારા કેનાલમાંથી કારને બહાર કાઢવા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગોઝારા અકસ્માતથી પરિવારજનો પર શોકનો પહાડ તૂટી પડ્યો છે.
