Vadodara

કરજણ ટોલ નાકા પાસે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત



*કાકાના મરણોત્તર ક્રિયામાં જઇ બે મિત્રો બાઇક પર પરત ઘરે જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું*


*યુવક છૂટક મજૂરી કરતો હતો અને ઘરમાં સૌથી નાનો હતો*

(પ્રતિનિધિ) વડોદરા તા. 18


કરજણ હાઇવે પાસે આવેલા ટોલનાકા નજીકના નાળા પાસે બે મિત્રો બાઇક પર કાકાની ઉત્તરક્રિયા પતાવી ઘરે પરત ફરતા હતા તે દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત થતાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન ગત તા. 17મી જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કરજણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણના થામ ગામે આવેલા ભાથીજી મંદિરવાળા ફળિયામાં રહેતા રોહિત લાલજીભાઈ વસાવા નામનો 20 વર્ષીય યુવક પોતાના પિતા તથા બે મોટા ભાઇઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. ગત તા. 17મી જાન્યુઆરીના રોજ બપોરે અઢી થી સાડા ત્રણ વાગ્યા વચ્ચે તે પોતાના કાકાની ઉત્તરક્રિયા હોય ધાવત ગામે પોતાના મિત્ર સુનિલ સુરેશભાઇ વસાવાની મોટરસાયકલ પાછળ બેસીને ગયો હતો જ્યાંથી પરત થામ ગામે આવતા હતા તે દરમિયાન કરજણ હાઇવે ટોલનાકા નજીકના નાળા પાસે કોઇક અજાણ્યા વાહને અકસ્માત સર્જાતા સુનિલ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે રોહિત વસાવાને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને 108એમ્બ્યુલન્સ મારફતે સીએચસી કરજણ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગત 17મી જાન્યુઆરીના રોજ સાંજે પોણા પાંચ ની આસપાસ એન સી ઓ ટી વિભાગમાં મૃત્યુ નિપજ્યું હતું. જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કરજણ પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top