Vadodara

કરજણનો કાળમુખો અકસ્માત: હાઇવે પર પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર, બે મુસાફરોના કરુણ મોત

સુરત-અમદાવાદ રૂટ પર હાહાકાર: ખાનગી બસો વચ્ચેની ટક્કરમાં 10થી વધુ મુસાફરો ઘાયલ, હોસ્પિટલમાં ખસેડાયા

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઘટના કરજણ પાસેના લાકોદરા નજીક બની હતી, જ્યાં બે ખાનગી બસ સામસામે ટકરાઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઇવે નંબર 8 પર લાકોદરા ગામ પાસે એક ખાનગી બસ રોડની બાજુમાં પાર્ક થઇને ઉભી હતી. આ દરમિયાન, પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક ખાનગી બસે પાર્ક કરેલી બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
આ ગંભીર અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ સહિત આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર ધસી આવ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે ઘાટલોદરા ટોલ બૂથની એમ્બ્યુલન્સ સેવાઓનો ઉપયોગ કરાયો હતો.
પોલીસે અકસ્માત સ્થળનો કબજો લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાછળથી ટક્કર મારનાર બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે મૃતકોની ઓળખ કરવા અને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસની મદદથી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top