Vadodara

કમિશનર અરુણ મહેશ બાબુએ આજવા સરોવર અને નદી તટ વિસ્તારોની સમીક્ષા કરી

વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પૂર જેવી પરિસ્થિતિ સામે સમયસર અને અસરકારક આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા તત્પર બની છે. તારીખે 25 જૂન, 2025ના રોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા શહેરના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કમિશનરે આજવા સરોવર, વિવિધ ફીડર કેનાલ, વિશ્વામિત્રી નદી, અને પ્રતાપપુરા સરોવર જેવા સ્થળોનુ સ્થળ પર જઈ અવલોકન કર્યું અને સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. મ્યુનિ. કમિશનરે આજવા સરોવર તેમજ ઝોરીયા, ઊજેરી, આસોજના જૂના અને નવા દરવાજાઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં છોડાતા પાણીના પ્રવાહની સમીક્ષા કરી હતી. સાથે જ નદીના લેવલને નિર્ધારિત કરવા અને પૂર પૂર્વે નદીમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી શકાય તે માટેની કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરવાસમાં વધુ વરસાદ થાય તેવી સંભાવનાઓ વચ્ચે રૂલ લેવલ જાળવવામાં આવે અને વધારાનું પાણી સમયસર નદીમાં ડાયવર્ટ કરી શકાય એ માટેની તંત્રની તૈયારીઓ પણ ચકાસવામાં આવી. આ દરમિયાન પાણીના નિકાસ માટેની ગેટ મેકેનિઝમ, સફાઈ અને ફીડર કેનાલોની સ્થિતિ અંગે ખાસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

પોન્ટુન કામગીરીના કારણે આજવા સરોવરના સેન્સર થોડા સમય માટે ખોટકાયા

આજવા સરોવર ખાતે પોન્ટુન લગાડવાનું કામ પ્રગતિ પર હતું જેને પગલે થોડા સમય માટે આજવા સરોવરના સપાટી ચકાસવાના સેન્સર ખોટકાયા હતા. જો કે, બાદમાં તે કાર્યરત થઈ ગયા છે. આજવા સરોવરની સપાટી સાંજના આઠ વાગ્યા સુધીમાં 209.39 ફૂટ નોંધાઈ છે. – ધાર્મિક દવે, HOD, પાણી પુરવઠા

Most Popular

To Top