Vadodara

કમાટી બાગને દિવાળી પર મળશે ‘મેટલ આર્ટ ગાર્ડન’નું નવું આકર્ષણ, સળિયાના ઝળહળતા સ્ટેચ્યુ મુકાશે

કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા દસથી વધુ પ્રાણી-પંખીઓના કલાત્મક સ્ટેચ્યુ બાગમાં મૂકવાની તૈયારી; ગ્લો ગાર્ડનના તૂટેલા ફાઇબર સ્ટેચ્યુના અનુભવ બાદ મેટલના ટકાઉ સ્ટેચ્યુ પર પસંદગી

વડોદરા : શહેરના ઐતિહાસિક અને લોકપ્રિય કમાટી બાગને આ દિવાળીના તહેવારો દરમિયાન એક નવું અને કાયમી આકર્ષણ મળવા જઈ રહ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાગને રોશનીથી ઝળહળતો કરવાની સાથે સાથે મેટલના સળિયામાંથી કલાત્મક રીતે તૈયાર કરાયેલા દસથી વધુ પંખીઓ અને પ્રાણીઓના સ્ટેચ્યુ મૂકવાની કામગીરી શરૂ કરાઈ છે.

કોર્પોરેશનનું સ્ટ્રીટ લાઈટ વિભાગ આ આકર્ષક સ્ટેચ્યુ લઈને આવ્યું છે, જેનો મુખ્ય હેતુ દિવાળી નિમિત્તે બાગમાં આવતા પર્યટકો માટે નવું આકર્ષણનું કેન્દ્ર ઊભું કરવાનો છે. આ તમામ સ્ટેચ્યુમાં ઝળહળતી લાઇટિંગ કરવામાં આવશે, જેના કારણે રાત્રિના સમયે તે વધુ મનમોહક લાગશે.

આ કલાત્મક કૃતિઓને બાગના એન્ટ્રીગેટની નજીક, બેન્ડ સ્ટેન્ડ સહિતના મુખ્ય સ્થળોએ મૂકવામાં આવશે. પર્યટકોમાં, ખાસ કરીને યુવાનો, આ ઝળહળતા સ્ટેચ્યુનો ઉપયોગ ‘સેલ્ફી પોઇન્ટ’ તરીકે પણ કરી શકશે. મહત્વની વાત એ છે કે, દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ પણ આ સ્ટેચ્યુને કાયમી ધોરણે બાગમાં પ્રસ્થાપિત કરવામાં આવશે, જે બાગની શોભામાં કાયમી વધારો કરશે.
​જે મેટલના સળિયામાંથી આ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે, તેમાં જિરાફ, હરણ, ભાલુ, બતક વગેરે જેવા પ્રાણીઓ અને પંખીઓના કલાત્મક સ્વરૂપોનો સમાવેશ થાય છે. આ પહેલ પાછળનો એક મહત્વનો હેતુ ટકાઉપણું પણ છે.


​ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે શહેરના કમાટી બાગના ડેવલપમેન્ટ માટે રૂ. 1.80 કરોડના ખર્ચે વિવિધ કામ હાથ ધરાયા હતા. આ ડેવલપમેન્ટના ભાગરૂપે પર્યટકો માટે આકર્ષણમાં વધારો કરવા માટે એક ‘ગ્લો ગાર્ડન’ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ ગ્લો ગાર્ડનમાં મૂકવામાં આવેલા જુદા જુદા પ્રાણીઓના ફાઇબરના સ્ટેચ્યુ ટૂંકાગાળામાં જ તૂટી ગયા હતા.
કોર્પોરેશનની આ નવી પહેલથી દિવાળીના દિવસોમાં કમાટી બાગની સુંદરતામાં અને પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશા છે.

જાળવણી અંગે સવાલ…
​જાણકારોએ તૂટી ગયેલા ફાઇબરના સ્ટેચ્યુ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, લાખોના ખર્ચે આ સ્ટેચ્યુ લેવાયા બાદ તેની પૂરતી કાળજી ન લેવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ અનુભવની સરખામણીએ, મેટલના સળિયામાંથી બનેલા આ નવા સ્ટેચ્યુ વધુ ટકાઉ સાબિત થશે, મેટલના આ નવા અને કીમતી સ્ટેચ્યુની પણ યોગ્ય જાળવણી કરવી અનિવાર્ય છે, અન્યથા ફરીથી લાખો રૂપિયાનો ખર્ચ નિરર્થક સાબિત થઈ શકે છે.

Most Popular

To Top