પ્રજાની ભેટ પર પ્રતિબંધ નહીં! કમિશનરને આવેદનપત્ર આપી નિર્ણય પાછો ખેંચવા માંગ; શુક્રવારથી ‘વોર્કેથોન’ની ચીમકી

વડોદરા શહેરના કમાટીબાગ સહિતના વિવિધ બાગ-બગીચાઓમાં પ્રવેશ માટે શરૂ કરાયેલી રજીસ્ટ્રેશનની નવી પ્રથાએ શહેરીજનો અને મોર્નિંગ વોકર્સમાં ભારે રોષ જગાવ્યો છે. આ પ્રથાને ‘માથાનો દુખાવો સમાન અને ગેરકાયદે’ ગણાવીને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગણી ઉઠી છે.
નગરપાલિકા તંત્ર દ્વારા બાગ-બગીચાઓમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને રોકવાના બહાના હેઠળ આ રજીસ્ટ્રેશન અનિવાર્ય કરાયું છે. જોકે, આ નિર્ણય સામે મોર્નિંગ વોકર્સ એસોસિએશન અને નાગરિકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
આ વિરોધના ભાગરૂપે ગુરુવારે સવારે, કમાટીબાગ ખાતે મોર્નિંગ વોકર્સ અને શહેરના નાગરિકોએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જ્યારે મોર્નિંગ વોકમાં હતા ત્યારે તેમને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય પ્રજાના હિતમાં નથી.
ચર્ચા દરમિયાન, નાગરિકોએ કમિશનરને યાદ અપાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ બાગને પ્રજાના આનંદ પ્રમોદ માટે લોકાર્પણ કરીને ભેટ આપવામાં આવી હતી. તેથી, તેમાં કોઈપણ પ્રકારનું બંધન કે ‘રિસ્ટ્રિક્શન’ મૂકવું યોગ્ય નથી.
મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ સવારે નાગરિકોની રજૂઆતો ધ્યાનથી સાંભળી હતી અને આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા માટેની ખાત્રી આપી હતી, જેનાથી મોર્નિંગ વોકર્સમાં એક સકારાત્મક અપેક્ષા જન્મી છે.
વિરોધ કરનારા નાગરિકોએ ભૂતકાળના એક કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં અગાઉ શહેરના વિવિધ સ્મશાનોનું સંચાલન કોન્ટ્રાક્ટરને સોંપવાની કાર્યવાહી મુદ્દે પાલિકા તંત્રને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી અને સ્મશાન સંચાલન યથાવત રાખવું પડ્યું હતું. તેવી જ રીતે, આ બાગ-બગીચા રજીસ્ટ્રેશનનો નિર્ણય પણ પાછો ખેંચાય તેવી માંગ મોર્નિંગ વોકર્સ દ્વારા કરવામાં આવી છે.
મોર્નિંગ વોકર્સ દ્વારા કોર્પોરેશનને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આ નિર્ણય તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં નહીં આવે, તો આવતીકાલે શુક્રવારે સવારે 7 વાગ્યાના સુમારે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ ‘વોર્કેથોન’ ચાલુ રાખવામાં આવશે.
આજના વિરોધ પ્રદર્શનમાં મોર્નિંગ વોકર પુરુષો સહિત અસંખ્ય મહિલાઓ, સિનિયર સિટીઝનો અને યુવાકો જોડાયા હતા. તેઓ “કમાટીબાગ બચાવો, વડોદરા બચાવો” ના બેનર હેઠળ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા, જે શહેરના એક ઐતિહાસિક અને જાહેર સ્થળ પરના નિયંત્રણ સામેના સામૂહિક વિરોધને દર્શાવે છે.