જરૂરી રીપેરીંગ કરી અથવા તો નવો બ્રિજ બનાવીને આવજા ચાલુ કરાવવા માંગ
વડોદરાના ઐતિહાસિક કમાટીબાગમાં 110 વર્ષ જુનો ઐતિહાસિક બ્રિજ સુરક્ષિત ના હોવાને કારણે તમામ પ્રકારનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલય વિભાગના કર્મચારીઓ અને સિક્યુરિટીના જવાનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બ્રિજ બંધ થવાથી રોજબરોજની મેન્ટેનન્સની કામગીરી કરવી અઘરી થઈ ગઈ છે.

પ્રાણીસંગ્રહાલય વિભાગ દ્વારા બ્રિજ પ્રોજેક્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે આ બ્રિજ ચાલુ થાય તે માટે વ્યવસ્થા ગોઠવે. જરૂર પડે બ્રિજને વધુ મજબૂત બનાવીને તેનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. હાલમાં પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ માટે રોજનો ખોરાક બ્રિજની આ બાજુ તૈયાર થતો હોવાથી ત્યાં પહોંચાડવા પણ મુશ્કેલી થઈ રહી છે. બ્રિજ બંધ થવાથી પાછળના ભાગેથી જવા માટે આખો રાઉન્ડ લેવો પડે છે, એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલય જોવા આવતા લોકો પણ આ બ્રિજના કારણે મુશ્કેલીમાં મુકાયા છે, અને પાછળથી ફરીને જવાનું ટાળી દે છે. ઘણી વખત સિક્યુરિટી સાથે બ્રિજ પરથી જવા દેવા મુદ્દે ઘર્ષણ કરે છે.

જાણવા મળ્યા મુજબ સહેલાણીઓ હવે પ્રાણીસંગ્રહાલય જોવા માટે આ બ્રિજના કારણે તૈયાર થતા નથી. જેના લીધે આવકને પણ અસર થઈ છે. પક્ષીઘરથી પ્રાણીઘર સુધી પહોંચવા પર્યટકોને દોઢ કિલોમીટરનો ફેરો ફરવા માટે તૈયાર નથી. ભવિષ્યમાં બગીચામાં વધુ ડેવલપમેન્ટ થવાનું છે અને સહેલાણીઓ મોટી સંખ્યામાં આવશે, ત્યારે આ બ્રિજનો પ્રશ્ન ઉભો રહેવાનો જ છે. એ સમયે કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને સહેલાણીઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા આ બ્રિજ જરૂરી રીપેરીંગ અથવા તો નવો બનાવીને આવજા ચાલુ કરવા માંગ કરી રહ્યા છે, જેથી પ્રવાસીઓને સુવિધા મળી શકે. ડે ટુ ડેમેન્ટેનન્સ કામગીરી કમાટીબાગ ઝુ બે ભાગમાં વહેંચાયું હોવાથી સ્ટાફને બહુ તકલીફ પડે છે. ઝુ વિભાગ દ્વારા બ્રિજ વિભાગના સલાહકારને હકારાત્મક પ્રતિસાદ આપવા રજૂઆત કરવામાં આવી છે.
