ટાંકીમાંથી કપુરાઈ ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી વિતરણ થાય છે
રૂ. 2.76 કરોડના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી મે. મારુતી ઈલેક્ટ્રીકલ્સને સોંપાઈ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા કપુરાઈ ટાંકી ખાતેની પમ્પીંગ મશીનરી અને ઈલેક્ટ્રીકલ-મિકેનિકલ સાધનોના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે પાંચ વર્ષ માટે ઈજારો મંજૂર કરવામાં આવ્યો છે. નાગરિકોને વધુ સારો અને સુસંગત પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. કપુરાઈ ટાંકીમાંથી વોર્ડ નં. 16 ના કપુરાઈ ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી વિતરણ થાય છે. અહીં 22 લાખ લીટર ક્ષમતાની બે ઉંચી ટાંકી તેમજ 30 લાખ અને 7.75 લાખ લીટર ક્ષમતાના બે ભુગર્ભ સંપ અને 110 KW તથા 160 KW પંપ સેટ્સ મૂકવામાં આવ્યા છે.
ટેંડર પ્રક્રિયા મારફતે ઈજારદારો પાસેથી ઈ ટેન્ડરીંગ દ્વારા ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા. 24 જાન્યુઆરી 2028ના રોજ પ્રિ-ક્વોલિફિકેશન બિડ્સ આવી અને 28 જાન્યુઆરી 2025 ના રોજ પ્રાઇઝ બિડ ઓપન કરવામાં આવી હતી. લોએસ્ટ ઈજારદાર મે. મારુતી ઈલેક્ટ્રીકલ્સને આ કામ રૂ. 2.76 કરોડના (અંદાજી રકમથી 8% વધુ) ભાવે આપવામાં આવ્યું છે. ઈજારદાર મે. મારુતી ઈલેક્ટ્રીકલ્સ પાંચ વર્ષ માટે કપુરાઈ ટાંકી ખાતેની પમ્પીંગ મશીનરી અને અન્ય સાધનોનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરશે. વાલ્વ જંકશનના સંચાલન, પાણી વિતરણમાં અસરકારકતા લાવવી અને નિર્દિષ્ટ સેવા શરતોનું પાલન કરવું ઇજારદારની જવાબદારીમાં રહેશે. મહાનગર પાલિકા દ્વારા લઘુત્તમ વેતનવધારાનું ચુકવણું ટેન્ડરની શરતો મુજબ અલગથી કરવામાં આવશે.
