વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેઈન્ટેનન્સ અને ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરાશે, નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ
(પ્રતિનિધિ), વડોદરા. તા.21
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના પૂર્વ અને અન્ય વિસ્તારોમાં પાણીની વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે આગામી સોમવાર, 23 માર્ચ 2026ના રોજ સમારકામ અને નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના કારણે કપુરાઈ અને ગાયત્રીનગર પાણીની ટાંકી હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. કપુરાઈ ટાંકી ખાતે હયાત 600 મી.મી. વ્યાસની ડિલિવરી લાઈન સાથે જોડાણ કરવાની મહત્વની કામગીરી તા. 23/03/2026 સોમવાર ના રોજ હાથ ધરવામાં આવશે. આ કામગીરીને પગલે, 23 માર્ચ (સોમવાર) સાંજનું પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. 24 માર્ચ મંગળવાર સવારનું પાણી વિતરણ નિયત સમય કરતા મોડું, ઓછા દબાણથી અને ટૂંકા સમય માટે કરવામાં આવશે. ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈનમાં ફ્લોમીટર બેસાડવાનું આયોજન છે. આ કામગીરી 23 માર્ચના રોજ સવારના વિતરણ બાદ શરૂ કરવામાં આવશે. જેના કારણે, 23 માર્ચ સોમવાર સાંજના સમયે તમામ ઝોનમાં પાણી વિલંબથી અને ઓછા દબાણથી મળશે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે કે, ભવિષ્યમાં પાણીના ચોક્કસ માપન અને સુવિધામાં વધારો કરવા માટે આ કામગીરી અનિવાર્ય છે. અસરગ્રસ્ત વિસ્તારોના રહીશોએ આ સમયગાળા દરમિયાન મુશ્કેલી ન પડે તે હેતુથી જરૂરી પાણીનો જથ્થો અગાઉથી સંગ્રહ કરી લેવો અને મહાનગરપાલિકાની આ કામગીરીમાં સહકાર આપવો.