Charotar

કપડવંજ લૂંટ વીથ મર્ડરનો ગુનો 48 કલાકમાં ઉકેલાયો, ઉત્તરપ્રદેશના 4 આરોપીની ધરપકડ


અમદાવાદથી બાવળા તરફના હાઈવે પરની હોટલ ખાતેથી લૂંટ કરેલા મુદ્દામાલ અને મારક હથિયારો સાથે ઝડપાયા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.18
ખેડા જિલ્લા પોલીસ વિભાગે કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં લૂંટ વીથ મર્ડરના કેસમાં 48 કલાકમાં ગુનો ડીટેક્ટ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી તેમની આઈસર અને લૂંટ કરેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસની તપાસ માટે જુદી-જુદી સાત ટીમો બનાવાઈ હતી, જેના આધારે ગ્રાઉન્ડ પર તજવીજ હાથ ધરતા પોલીસને સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ કપડવંજના પાંખીયાથી કાપડીવાવ રોડ પર મલકાણા ગામની સીમમાં એક ડ્રાઈવરની હત્યા કરી નાખી કન્ટેંનરમાં ભરેલો લાખોનો મુદ્દામાલ લૂંટ કરવાની બિના બની હતી. જેની ફરીયાદ કપડવંજ ગ્રામ્ય મથકે નોંધાઈ હતી. આ ગુનાને ખેડા જિલ્લા પોલીસે 48 કલાકમાં ઉકેલી નાખ્યો છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને ડી.વાય.એસ.પી. વી.એન. સોલંકી દ્વારા જુદી-જુદી 7 ટીમો બનાવાઈ હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાંચ અને કપડવંજ ગ્રામ્ય મથકના અધિકારીઓ અને કર્મચારીઓની મદદ તેમજ સીસીટીવી અને સરકારી પોર્ટલનો ઉપયોગ કરી અને ગુનો ડીટેક્ટ કર્યો છે. જેમાં તપાસ દરમિયાન અમદાવાદના ઓઢવ સર્કલ રીંગ રોડથી સનાથન સર્કલ સુધીમાં આવતા લોજીસ્ટીક માલ-સામાન રાખતા એકમોની તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ વાહનના સર્વિસ સ્ટેશનમાં વાહન સંદર્ભે તપાસ હાથ ધરતા વાહન નોંધણી તથા ચાલકની વિગત મળી હતી. ટેકનીકલ રાહે તપાસમાં આ આ શંકાસ્પદ વાહન રાજકોટ-અમદાવાદ હાઈવે પર અમદાવાદથી બાવળા રોડ પર હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના આધારે પોલીસની ટીમોને રવાના કરાઈ હતી. જ્યાં આઈસરમાંથી લુંટમાં ગયેલો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ તેમાં બેઠેલા 4 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન એસ.ઓ.જી. પી.આઈ. ડી. એન. ચુડાસમા, એલ.સી.બી. પી.આઈ. કે. આર. વેકરીયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ આરોપીઓની પૂછપરછ કરી હતી અને આરોપીઓએ ગુનો કબુલ કરી લીધો હતો. આરોપીઓએ પોતાના નામ ઈસરાર ઉર્ફે મામા ત્યાગી, વસીમ ચૌધરી, સહજાદ કલઆ, શહેજાદ અખતર (તમામ રહે. ઉતરપ્રદેશ) હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી અને આઈસર તેમજ લૂંટ કરાયા પૈકીનો કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાકીનો મુદ્દામાલ રીકવરી કરવાની કામગીરી હાથ ધરી છે.

ટ્રક ચાલકની હત્યા કરી હતી
કપડવંજના મોડાસા લાડવેલ રોડ પર આવેલ મલકાણા ગામ પાસેની હોટલ પર વહેલી સવારના સમયે લૂંટ વિથ મર્ડરની ઘટના ઉજાગર થઈ હતી. હોટલ પર રાતના બંધ બોડીની કન્ટેનર ટ્રક લઈ રોકાયેલ ચાલક દેવેન્દ્રસિંહને બંધક બનાવી દીધા હતા. તેમજ ગદડાપાટુનો માર મારી મોઢાના ભાગે મૂઢ માર મારી હત્યા કરી લૂંટારૂઓ અંદર ભરેલા 2.85 લાખની કિંમતના સીલીંગ ફેન લુંટી ફરાર થઈ ગયા હતા.


રોડ પરના 78 તો ખાનગી 170 સીસીટીવી ફંફોળ્યા
ખેડા જિલ્લા પોલીસ દ્વારા બનાવાયેલી તપાસ ટીમ દ્વારા બનાવના સ્થળની નજીકથી આસપાસના તમામ મોટા માર્ગો પરના 78 સીસીટીવી ચેક કરાયા હતા. તો આ સિવાય ખાનગી હોટલો, મોલ અને દુકાનોના 170 સીસીટીવી ફંફોળ્યા હતા.

Most Popular

To Top