કપડવંજ: કપડવંજ પીપલ્સ બેંકના કર્મીઓની ઈમાનદારીથી લોકર ગ્રાહકને ત્રણેક લાખ રૂપિયાના સોનાના દાગીના પરત મળ્યા હતા.
અત્રેની કપડવંજની જીવાદોરી સમાન એકમાત્ર કપડવંજ પીપલ્સ કો ઓપરેટિવ બેંક ખાતે વલ્લભભાઈ લવજીભાઈ પટેલ મુકામ ઘડિયાના લોકર ધારકે લોકર ખોલ્યા પછી રૂપિયા ત્રણેક લાખની કિંમતના સોનાના દાગીના લોકરમાં મૂકવાનું ભૂલી ગયા હતા અને લોકરની બહાર આવેલા ટેબલ ઉપર પડી રહ્યા હતા. આ ડબ્બી બેંકનું લોકરનું કામ સંભાળતા એકાઉન્ટન્ટ રાજેશભાઈ એમ પારેખ તથા સેવક પ્રદીપભાઈ પાલકરના ધ્યાનમાં આવતા તેમણે તરત જ બેંકના મેનેજર દીપકભાઈ તથા અન્ય કર્મચારીઓને જાણ કરી હતી. અને અનેક તપાસના અંતે જાણવા મળ્યું કે ત્રણેક લાખની કિંમતના આ દાગીના ઘડીયાના વલ્લભભાઈના છે તે માટે તેમને બોલાવી પૂછપરછ કરી ખાતરી મેળવી અને બેંક વ્યવસ્થાપક કમિટીની મીટીંગ સમયે બેંકના ચેરમેન જયેશભાઈ પટેલ તથા એમ ડી કેશાભાઈ પટેલના હસ્તે તમામ ડિરેક્ટરોની હાજરીમાં આ દાગીના વલ્લભભાઈને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ સમયે લોકરધારક વલ્લભભાઈએ બેન્ક કર્મચારીઓ તથા મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.