ચોમાસુ પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર*
*ચોમાસા આધારિત ખેતી કરતા તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ રહ્યા છે*
કપડવંજ: કપડવંજ પંથકમાં મેઘરાજાનું પુનરાગમન થતા કપડવંજ પંથકવાસીઓ સહિત ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.ખાસ કરીને તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીને લહેર છવાઈ ગઈ હતી.

બીજી તરફ કપડવંજ તાલુકાનો પૂર્વ વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી નપાણિયા વિસ્તાર તરીકે પંકાયેલો છે. માત્ર વરસાદ આધારિત આ વિસ્તારના ઘણા ગામોમાં આજે પણ પાણીનો પોકાર છે.એવા સંજોગોમાં આ વિસ્તારના ખેડૂતોએ કપાસનું વાવેતર કરી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.પંદરેક દિવસથી જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે કે ક્યારે વરસાદ આવે અને ખેતરોમાં કરેલ વાવેતર નિષ્ફળ ના જાય તે માટે પ્રાર્થનાઓ કરી રહ્યો છે.વરસાદ વરસે તો ઉભા પાકને જીવતદાન મળી શકે તેમ છે.અલબત્ત વરસાદી વાતાવરણ હોવાને કારણે મેઘરાજા મહેર કરશે તેવો આશાવાદ સેવી રહ્યા છે.

કપડવંજ પંથકમાં વહેલી સવારથી મેઘાનું પુનરાગમ થતા લોકોએ ઠંડીનો અહેસાસ સાથે ગરમીથી રાહત મેળવી હતી. વહેલી સવારે વરસાદી ઝાપટા પડતા નગરના નિચાણવાળા વિસ્તારોમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા્ શહેરમાં નાની રત્નાકર માતા રોડ ઉપર લાયન્સ ક્લબ થી સોમનાથ સોસાયટી સુધી પાણી ભરાઈ રહે છે જોકે વરસાદ બંધ થતા ક્રમશઃ પાણી ઉતરી જાય છે પણ પાણી ભરાવાના લઈને લોકોને અને વાહન ચાલકોને પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે તો તંત્ર દ્વારા પાણીનો યોગ્ય નિકાલ થાય તે ખૂબ જ જરૂરી છે શહેરના કાઠીયાવાડ વિસ્તાર સુધારવાડાના ચકલા સુભાષચોક મોટા નાગરવાડા આપ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ રહે છે.જેને લઈને રાહદારીઓ તથા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.અલબત્ત વરસાદના વિરામ બાદ કલાક પછી પાણી ઓસરી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

સોશીયલ મીડીયા ઉપર પાલિકા તંત્ર સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને એવી સુચનાઓ આપવામાં આવી હતી કે કોઈપણ વાહન ચાલકે સાઈડમાં વાહન ચલાવવું નહી. નહીં તો સાઈડમાં પડેલા ખાડાઓમાં વાહન ગરકાવ થઈ જશે.જેને લઈને પાલિકા તંત્રની કામગીરી ઉપર રોષ ઠલવાયો હતો.જ્યારે કપડવંજના વિવિધ વિસ્તારોમાં વરસાદના પુનરાગમન થી ખેડૂતોએ રાહત અનુભવી હતી.જેથી ડાંગરનું વાવેતર કરવામાં આવશે તથા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કઠોળ, જુવાર,બાજરી, કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું હોય પાકને જીવતદાન મળશે તેમ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂત ફતેસિંહ ઝાલાએ જણાવ્યું હતું.જ્યારે કપડવંજ તાલુકાનો પૂર્વ વિસ્તાર બિન પિયત અને માત્ર ને માત્ર વરસાદ પર નિર્ભર હોય તથા કાળી ચીકણી જમીન હોવાથી વરસાદ પહેલા જ વાવણી કરી દેવી પડતી હોય છે.એ રીતે પંથકના મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકમાં હાલમાં ડાંગરના પાકની રોપણી કરી છે તથા કપાસનું વાવેતર કર્યું હોય ખેતરોમાં નિંદામણની કામગીરી થઈ રહી છે.તથા તમાકુ, બાજરી,વળીયારી, મકાઈ તથા મગફળીના મોંઘાદાટ બિયારણ વરસાદ પહેલા વાવી દીધા હતા. ચોમાસુ પાક પ્રથમ વરસાદ બાદ જ્યાં સિંચાઈની વ્યવસ્થા ઉપલબ્ધ છે તેવા ખેતરોમાં ચોમાસુ પાકનું વાવેતર પણ થઈ ગયું હતું. હાલ ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે.વરસાદ પૂરતો ન થતાં બિયારણ બચાવવા ખેડૂતો હાથવગા સાધનોથી પાણી આપવાની મથામણ કરી રહ્યા હતા.એવા સંજોગોમાં મેહુલો મન મુકીને વરસે તો પાકને જીવતદાન મળે તેવી આશાઓ સેવી રહ્યા છે.તેમ પૂર્વ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે.કપડવંજ પંથકમાં સવારે ૮-૩૦ થી ૧૧ ૩૦ દરમિયાન ૭૦ મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ-૪૩૫ મી.મી.વરસાદ સરકારી દફતરે નોંધાયો છે.