જાગૃત નાગરીક દ્વારા પી.જી. પોર્ટલ પર કોમર્સિયલ કોમ્પલેક્ષ અને રહેણાંક ફ્લેટોમાં ફાયર સેફ્ટીની અસુવિધા અંગે ફરીયાદ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં કોમર્સિયલ કોમ્પલેક્ષ અને રહેણાંક ફ્લેટોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવા મામલે ફરીયાદો ઉઠી છે. એક જાગૃત નાગરીક દ્વારા ઓનલાઈન પી.જી. પોર્ટલ પર આ મામલે ફરીયાદ કરવામાં આવી છે અને તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટ જેવી દુર્ઘટના બન્યા બાદ પણ કપડવંજ પાલિકા તંત્રએ કોઈ પણ આવા એકમોમાં તપાસ કરી ન હોય, તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
મળતી માહિતી મુજબ કપડવંજના કમલેશ ચૌહાણ દ્વારા સરકાર દ્વારા ફરીયાદો માટે જાહેર કરાયેલા પી.જી. પોર્ટલ પર વડાપ્રધાનને સંબોધીને ફરીયાદ કરી છે. જેમાં જણાવ્યુ છે કે, રાજકોટ અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીના અભાવે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. આવા સમયે રાજ્ય સરકારે તમામ સ્થાનિક તંત્રને પોતાના હદ વિસ્તારમાં આવતા તમામ મોટા એકમોમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરવાના હુકમ કર્યા હતા. આમ છતાં કપડવંજમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, કપડવંજ શહેર વિસ્તારમાં આવેલા કોમર્સિયલ કોમ્પલેક્ષ અને રહેણાંક એકમો સહિત મલ્ટીપ્લેક્ષ, જીમ, શાળાઓ અને હોસ્પિટલો સહિતના એકમોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. નાગરીકોની અવર-જવર અને બજાર વચ્ચે ધમધમતા આ એકમોમાં ફાયરની કોઈ પણ સુવિધા નથી. તેમ છતાં કપડવંજ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ નક્કર કામગીરી કરાઈ નથી. જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી છે. તેમજ તંત્રની આ બેદરકારીથી જો કોઈ ગંભીર અકસ્માત કે દુર્ઘટના બને તો તે માટે કપડવંજ પાલિકા તંત્ર જવાબદાર રહેશે, તેમ જણાવ્યુ છે. આ સાથે જ ઉમેર્યુ છે કે, કપડવંજ નગરપાલિકામાં ફાયર સુપ્રિટેન્ડેન્ટની જગ્યા દોઢ વર્ષથી ખાલી પડી છે, જેનો ચાર્જ લાયકાત વગરના વ્યક્તિને આપવામાં આવ્યો છે, જેથી કાયમી ફાયર સુપ્રિટેન્ડેન્ટની નિમણૂક કરાય અને આ સમગ્ર મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ કામગીરી કરાય તેવી માંગણી કરવામાં આવી છે.