Kapadvanj

કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ

સંબંધિત તંત્ર દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માગણી
ઓછા વરસાદે તળાવ ખાલી, રવિ પાક જોખમમાં

કપડવંજ: કપડવંજ તાલુકાના રામપુરા તળાવની હાલત ચિંતાજનક બની છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ પડતાં તળાવ ભરાઈ શક્યું નથી. પરિણામે આસપાસના વિસ્તારની નદીઓ પણ સૂકી પડી છે અને ખેડૂતો સામે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. જો સરકાર દ્વારા તળાવમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવે તો આ વર્ષે રવિ પાક બચી શકે તેમ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ દિવેલા સહિત અન્ય રવિ પાકોને યોગ્ય પિયત મળે તો નુકસાન અટકાવી શકાય તેમ છે.

તળાવ ન ભરાય તો પીવાના પાણીની પણ તંગી

ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી તકે રામપુરા તળાવમાં પાણી ભરવામાં નહીં આવે તો ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા છે. યોગ્ય પિયતના અભાવે પાકોને નુકસાન થશે અને ખેડૂતોની આવક પર સીધી અસર પડશે. સાથે સાથે આવનારા સમયમાં પીવાના પાણીની તંગી પણ ગંભીર સમસ્યા બની શકે છે. નોંધનીય છે કે સરકાર દ્વારા પાણી પુરવઠાની લાઈનો તો નાખવામાં આવી છે, પરંતુ તેમાં હાલ પાણી નથી. તેથી ખેડૂતોની તીવ્ર માગણી છે કે તેમના હિતમાં સદરહુ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને તળાવમાં પાણી ભરવામાં આવે.

Most Popular

To Top