Kapadvanj

કપડવંજ તાલુકાના આતરસુબાથી સરખેજને જોડતો નવો રોડ બિસમાર અને ઉબડ ખાબડ

નવા રોડ પર નાના મોટા ખાડાઓ પડી ગયેલા હોવાથી ટ્રેક્ટર પલટી ખાઈ ગયું

કપડવંજ: કપડવંજ તાલુકાના આતરસુબાથી વાત્રકાંઠાના સરખેજ નવો રોડ ખૂબ જ બિસમાર થઈ ગયો છે અને રોડ પર નાના મોટા ખાડા પડી ગયા છે. આ રોડ નવા રોડ તરીકે ઓળખાય છે આ બિસ્માર રોડ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ઘણા વર્ષોથી આ રોડમાં ખાડા પણ પુરવામાં આવતા નથી. આ રોડ પર ટ્રાફિકનું ભારણ ખુબ જ રહેલું હોય છે. કારણ કે મોટા મોટા વાહન ચાલકો પણ ટોલ ટેકસ થી બચવા આ રોડનો ઉપયોગ કરે છે જેને લઈને ટ્રાફિકનું ભારણ વધી જાય છે. નવા રોડ પર પડી ગયેલા ખાડાઓને લઈને આજે વહેલી સવારે અપ્રુજી થી લાકડા ભરેલું ટ્રેક્ટર જઈ રહ્યું હતું ત્યારે નવા રોડ વિમલ કોર્પોરેશનની જોડે પલટી ખાઈ ગયું હતું. જોકે ડ્રાઇવરનો આબાદ બચાવ થઈ ગયો હતો.

આમ તંત્રની ઘોર બેદરકારી દેખાઈ રહી છે આવા બિસ્માર રોડને લઈને વાત્રકકાંઠાની પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવા રોડ પર પડી ગયેલા ખાડાઓને લઈને વાહનચાલકો, ખેડૂતો, અભ્યાસ કરતા બાળકો, આજુબાજુની અને અમદાવાદ ખાતે ફેક્ટરી, કારખાનાઓમાં ફરજ બજાવતા કામદારો, જેઓને ચોમાસામાં ખાડામાં પાણી ભરાઈ રહેલું હોવાથી ખબર પડતી નથી, જેને લઇને નાના-મોટા અકસ્માતો રોજના બની ગયા છે.

આ અંગે વાત્રકકાંઠા ના ફતેસિંહ ઝાલા ના જણાવ્યા મુજબ નવા રોડમાં નાના મોટા ખાડાઓને લઈને અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતમાં કોઈ નક્કર પગલા લેવાતા નથી. જ્યારે ઉનાળો શિયાળો નવરાશના દિવસમાં તંત્ર નિંદ્રામાં હોય છે અને ચોમાસામાં ખાડા પૂરવાના નક્કી કરે ત્યારે પાણીને લીધે ખાડાઓ પુરાતા નથી વાત્રક કાંઠાની જનતાની માંગ છે કે આ નવા રોડમાં રીપેરીંગ કામ હાલ પૂરતું કરવામાં આવે અને ચોમાસા બાદ તેનું નવીનીકરણ કરવામાં આવે.

Most Popular

To Top