Charotar

કપડવંજ આરએન્ડબીના ડે. ઇજનેર સહિત છના ત્રાસથી આપઘાત કર્યો ..

કપડવંજના નાનીઝેર ગામે કોન્ટ્રાકટરના આપઘાત પ્રકરણમાં કાર્યવાહી

માર્ગ અને મકાન વિભાગ કપડવંજ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ઈજનેર, એસઓ અને 2 એજન્સીના વહીવટદારો સામે ગુનો નોંધાયો

કપડવંજના નાનીઝેર ગામે 5 દિવસ અગાઉ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોન્ટ્રાક્ટરે આંબાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સ્યૂસાઈડ નોટ લખી કોન્ટ્રાક્ટરે પોતાની આપવીતી જણાવી હતી. જેના આધારે કપડવંજ રૂરલ પોલીસે બનાવના 5 દિવસ પછી કોન્ટ્રાક્ટરને દુષ્પ્રેરણ આપનાર માર્ગ અને મકાન વિભાગના કપડવંજ ડિપાર્ટમેન્ટના ડે.ઈજનેર, એસઓ અને શ્રીરામ બિલ્ડર્સ વહીવટદારો મળી કુલ 6 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ ડિપાર્ટમેન્ટના ડે.ઈજનેર, SOએ કોન્ટ્રાક્ટરના બીલો અટકાવી રાખી ઊંચી ટકાવારી માગતા હોવાના ગંભીર આક્ષેપો ફરિયાદમાં થયા છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના થાભા ગામના વિનોદભાઇ સોમાભાઇ પટેલ (ઉ.વ.58)ના પડોશમાં તેમના સગા મોટાભાઈ કનુભાઈ પરિવાર સાથે રહે છે. કનુભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દિકરો કલ્પેશ ગોધરા ખાતે રહે છે અને ગોધરા ખાતે આર.એન્ડ બી. વિભાગમાં સરકારી નોકરી કરે છે. આ કનુભાઈ સોમાભાઈ પટેલ સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના કોન્ટ્રકટના કામો આશરે છેલ્લા 35 વર્ષથી કરતાં હતા. એપ્રિલ 2023થી નડિયાદ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના કપડવંજ સબ ડી વીઝનના તૈયબપુરા- મોટી ઝેર સુધીના 0/0થી 18/500 કી.મી.ના કામનું ટેન્ડર એલ.જી. ચૌધરી (રહે. અમદાવાદ)ને મળેલ જે કામના સબ કોન્ટ્રકટર તરીકે કનુભાઈનાઓ કામ કરતાં હતા. મોટાભાગે કનુભાઇ પોતાની કાર લઈને દરરોજ સાઈડ ઉપર વહેલી સવારે 7 વાગ્યે જતા અને રાત્રે આશરે 10 વાગ્યે પરત ઘરે આવતા હતા. જ્યારે કામનો બોજ વધારે હોય ત્યારે તેઓ ઘણીવાર કામના સ્થળે પણ રોકાતા હતા. કનુભાઇ તેમના કોન્ટ્રકટના કામ અંગે પોતાના ભાઈ વિનોદભાઈ અને ભાભીને ઘણી વાર કહેતા હતા કે , છેલ્લા આઠેક માસથી તેઓ અમોને કપડવંજ તાલુકાના રોડનું મોટાભાગનું કામ પૂરું થઇ ગયું છતા કપડવંજ માર્ગ અને મકાન વિભાગના સબ ડીવીઝનના દીપક ગુપ્તા તેમજ ડે. ઈજનેર જીગર કડિયા (સથવારા) ખોટી રીતે હેરાન કરે છે, માનસીક ત્રાસ આપે છે અને કામની લાઈન પણ આપતા નથી. વધુમાં કહેતા હતા કે , ક્યારેક ક્યારેક આ બન્ને સાહેબો મારું રોડનું કામ ચાલુ કરાવે અને બંધ કરાવે છે. તેમ હેરાન પરેશાન કર્યા કરે છે.

આ ઉપરાંત કનુભાઇએ પોતાના ભાઈને આપવીતી જણાવેલ કે, આ બન્ને સાહેબો કામના બિલ મંજુર કરાવવા મોટી રકમની માંગણી કરે છે અને મારી પાસેથી કામના બીલની રકમની ઉંચી ટકાવારી લેવા માટે મેં કરેલા કામોના રૂપિયા 2.25 કરોડના બીલો તેઓએ અટકાવી રાખ્યા છે. આ બિલો અટકવાને કારણે હું મારા મજુરો તથા અન્ય સ્ટાફને પણ પગાર આપી શકતો નથી. જેથી મને બહુ ચિંતા અને માનસિક તણાવ રહે છે. આ મામલે કનુભાઈના ભાઈ વિનોદભાઈએ ફરીયાદ નોંધાવી છે, પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી આદરી છે.

મનહર જે. પટેલ દ્વારા પણ નાણાં ન ચુકવાયા

કનુભાઇએ આ કડીયાને બીલો મંજુર કરવા ઘણી આજીજી કરી હતી. જેથી કંટાળેલા કનુભાઈને તેમના ભાઈ અને ભાભી આશ્વાસન આપતા હતા. વધુમાં આ કનુભાઇએ તેમના ભાઈ,ભાભીને જણાવેલ કે કપડવંજનું આ જે કામ ચાલુ છે તેના પહેલાં પણ મેં શ્રી રામ બિલ્ડર્સ લુણાવાડાના મનહર પટેલ, હિતેશ સુથાર તથા દીપક ગાંધી સાથે કામ કરેલ હતું. એ કામના મારે મનહર પટેલ, હિતેશ સુથાર તથા દીપક ગાંધી પાસેથી બાકી નીકળતા રૂપિયા 1 કરોડ 53 લાખ તથા 5 કરોડ 87 લાખ પણસોરા-અલિણા રોડના તથા અને 37 લાખ માનગઢ હિલ રોડના લેવાના બાકી છે જે રકમ પણ આ ત્રણેય લોકો મને આપતા નથી.

12 જૂને લાપતા બન્યા અને 15 જૂને આત્મહત્યા કરેલો મૃતદેહ મળ્યો

ગત 12 જુન બાદ તેઓ ઘરેથી લાપતા બન્યા હતા. જે બાદ  15 જૂનના રોજ કપડવંજ પોલીસ સ્ટેશન મારફતે કનુભાઈના ભાઈ અને પરિવારજનોને કનુભાઈના આપઘાતની માલૂમ પડી હતી. કનુભાઈએ કપડવંજના નાનીઝેર ગામની નજીક આંબાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે મૃતક કનુભાઈના ચોર ખિસ્સામાંથી એક બે પાનની નોટ મળી આવી હતી. જેના આધારે કપડવંજ ગ્રામ્ય પોલીસે બનાવના 5 દિવસ પછી 6 વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. જેમાં ઉપરોક્ત R&B કપડવંજ ડિપાર્ટમેન્ટના ડે.ઈજનેર, SO અને લુણાવાડાના શ્રીરામ બિલ્ડર્સ વહીવટદારોનો સમાવેશ થાય છે.

કોની કોની સામે ગુનો નોંધાયો ?

– જીગર કડિયા સથવારા (રહે. કપડવંજ)

– દીપક ગુપ્તા (રહે. કપડવંજ)

– મનહર પટેલ (રહે. લુણાવાડા)

– હિતેશ સુથાર (રહે. લુણાવાડા)

– દીપક ગાંધી (રહે. લુણાવાડા) – એલ.જી. ચૌધરી (રહે. અમદાવાદ)

Most Popular

To Top