Charotar

કપડવંજમાં સગીરા પર દૂષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

કપડવંજના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દૂષ્કર્મ આચર્યું હતું

(પ્રતિનિધિ) કપડવંજ તા.14

કપડવંજના ગાડીયારા ગામના યુવકે પંથકની સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે કોર્ટે તેને 20 વર્ષની સજા તથા દંડ ફટકારયો હતો અને દંડ ન ભરે વધુ કેદની સજાનો પણ હુકમ કર્યો હતો.

કપડવંજના ગાડીયારા ગામના સુખદેવનગરમાં રહેતો સુનીલ મનુભાઇ બારૈયા (ઉ.વ.25) નામના શખ્સે એક 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસવી હતી. બાદમાં તેને 20મી માર્ચ,2023ના રોજ લલચાવી ભગાડી ગયો હતો અને સુરત નજીક ગંગાધર ટુંડી ખાતે રહેતા પ્રકાશ માવાણીના ખેતરની ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં સગીરા પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે કપડવંજ ટાઉન પોલીસે સુનીલ બારૈયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી જરૂરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ મુક્યું હતું. આ કેસ કપડવંજની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ મનિષ આર. પટેલની દલીલ ઉપરાંત 14થી વધુ દસ્તાવેજી પુરાવા, 12 મૌખિક પુરાવા માન્ય રાખી ન્યાયધિશે સુનીલ બારૈયાને આરોપી ઠેરવી 20 વર્ષની કેદ તથા દંડ ફટકાર્યો હતો.

આ ઉપરાંત કોર્ટે ગુજરાત વિકટીમ કોમ્પેસેશન સ્કીમ-2019માં કરવામાં આવેલી જોગવાઈઓ મુજબ ભોગ બનનારને રૂા.ચાર લાખ ચુકવવા હુકમ કર્યો હતો. જેમાં રકમ પૈકી 75 ટકા રકમ ભોગ બનનારના નામે પાંચ વર્ષ માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા રાખવી અને તેનું વ્યાજ ભોગબનનારને ચુકવવુ તથા બાકીની રકમ ભોગબનનારને જરૂરી ઓળખ અંગેના આધાર પુરાવાની ખાતરી કરી એકાઉન્ટ પે ચેકથી ચુકવી આપવી જોઈએ. જો ભોગ બનનારને કોઈ વચગાળાની રકમ ચુકવવામાં આવી હોય તો તેટલી રકમ બાદ કરીને રકમ ચુકવવાની રહેશે.

કઇ કલમમાં કેટલો દંડ ફટકાર્યો

કલમ – 363 મુજબ 4 વર્ષની સાદી કેદની સજા તથા રુપિયા 2500નો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા.

પોક્સો કલમ-6ના ગુન્હા સબબ 20 વર્ષની સખત કેદની સજા તથા રુપિયા 5,000 દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ પાંચ માસની સાદી કેદ.

Most Popular

To Top