કપડવંજ માર્ગ-મકાન સ્ટેટ અને લુણાવાડાની શ્રી રામ એજન્સીના વહીવટદારોના પાપે કોન્ટ્રાક્ટરે મોત વ્હાલુ કર્યુ
કોન્ટ્રાક્ટર જે રોડનું કામ કરતા હતા ત્યાં જ ઝાડ પર લટકી આત્મહત્યા કરી લીધી
નાયબ કાર્યપાલક ઇજનેર જીગર કડીયા અને સેક્શન ઓફીસર ગુપ્તા બિલોની ચુકવણી કરતાં ન હતાં
(પ્રતિનિધિ) કપડવંજ, નડિયાદ તા.15
કપડવંજના નાની ઝેરથી ઘડિયા તરફ જવાના રોડ પર શનિવારે એક મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં કપડવંજ રૂલર મથકનો કાફલો સ્થળ પર પહોંચી અને મૃતદેહને નીચે ઉતારી તપાસ કરતા સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. કારણ કે, આત્મ હત્યા કરનાર વ્યક્તિ કોન્ટ્રાક્ટર હતા અને જે ઝાડ પર લટકી ગયા, ત્યાંથી પસાર થતા રોડના નિર્માણનું કામ કરી રહ્યા હતા. આમ તો આ રોડ એમ. જે. ચૌધરી નામની એજન્સીને અપાયો હતો, પરંતુ પેટા કોન્ટ્રાક્ટર તરીકે આ કામ મૃતક કોન્ટ્રાક્ટર કરતા હોવાની વિગતો સાંપડી છે. તો વળી, મૃતક પાસેથી મળેલી સુસાઈડ નોટમાં આ અધિકારીઓ ઉપરાંત લુણાવાડાની શ્રી રામ બિલ્ડર્સ એજન્સીના વહીવટદારોના કારણે આર્થિક સંકળામણ ઉભી થઈ હોવાનો એકરાર કર્યો છે. મહિસાગરના સંતરામપુરના કનુભાઈ સોમાભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટર દ્વારા શનિવારે પોતે જે રોડનું નિર્માણ કાર્ય કરી રહ્યા હતા, તે જ રોડ પરના એક ઝાડ પર લટકી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ ઘટનાના પગલે કપડવંજ રૂલર મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને કનુભાઈની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં કનુભાઈ દ્વારા માર્ગ-મકાન સ્ટેટના કપડવંજ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જીગર કડીયા અને સેક્શન અધિકારી ગુપ્તા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લુણાવાડાની શ્રી રામ બિલ્ડર્સ એજન્સીના વહીવટદારો દ્વારા પણ તેમને નાણાં ન ચુકવાયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સુસાઈડ નોટમાં જણાવ્યા મુજબ માર્ચ-2023થી જૂન-2023ના સમયગાળા દરમિયાન નાનીઝેરથી ઘડિયા તરફના રોડ પર જુદા-જુદા કામ કરાયા હતા. જે કામ પૂર્ણ થઈ ગયા હોવા છતાં છેલ્લા વર્ષથી આ કામના 2.25 કરોડના બિલો અધિકારીઓ દ્વારા દબાવી રાખવામાં આવ્યા હતા. તેમજ આ બિલો ચુકવ્યા વગર અધિકારીઓ દ્વારા રોડનું કામ પૂર્ણ કરવા માટે નોટીસો ફટકારી અને કનુભાઈ પર દબાણ લાવવામાં આવી રહ્યુ હતુ. કનુભાઈના બિલો રોકાયેલા હોવાના કારણે તેઓ આર્થિક સંકડામણમાં હતા અને જે વેપારીઓ પાસેથી મટીરીયલ ખરીદ્યુ હોય, તેમને નાણાં ચુકવવા અસમર્થ બનતા નવો માલ ખરીદી શકતા નહોતા. તો કામકાજ આર્થિક કટોકટીના કારણે વારંવાર ચાલુ બંધ થતા મજૂરોએ પણ આવવાનું બંધ કરી દીધી હતુ અને કનુભાઈ મજૂરી પણ ચુકવી શકતા નહોતા. આ વચ્ચે અનેકવાર બિલો ચુકવવા કાલા-વાલા કરવા છતાં જવાબદાર અધિકારીઓ બિલો ચુકવતા નહોતા. બીજીતરફ લુણાવાડાની શ્રી રામ બિલ્ડર્સ નામની એજન્સીમાં કનુભાઈ પટેલ દ્વારા જુદા-જુદા 5 કામોના 4.72 કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. આ નાણાં પણ શ્રી રામ બિલ્ડર્સના વહીવટદારો દ્વારા ચુકવાતા નહોતા. આ તમામ બાતો વચ્ચે કનુભાઈ આર્થિક સંકળામણમાં આવી જતા તેમણે આજે મોતને વ્હાલુ કરી લીધુ છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો છે.