• રાંધણ ગેસની અછત વચ્ચે તંત્રની આકસ્મિક તપાસ
• બે ચ્હાની દુકાનોમાં ગેરકાયદેસર ઘરેલુ ગેસના વ્યાવસાયિક ઉપયોગનો પર્દાફાશ
નડિયાદ, તા.14
કપડવંજ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સર્જાયેલી રાંધણ ગેસની અછત વચ્ચે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. મામલતદારની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી બે ચ્હાની દુકાનોમાંથી ગેરકાયદેસર રીતે વપરાતા 5 ઘરેલુ ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
માહિતી મુજબ કપડવંજ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી રાંધણ ગેસના પુરવઠામાં વિક્ષેપ પડતા સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ સિલિન્ડર મેળવવા માટે વહેલી સવારથી જ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કલાકો સુધી રાહ જોવી પડતી હોવાથી ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પરિસ્થિતિ વચ્ચે શહેરમાં કેટલીક ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર કોમર્શિયલ ગેસના બદલે સસ્તા ઘરેલુ ગેસનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો સામે આવી હતી. જેને પગલે કપડવંજ મામલતદારે ખાસ ટીમ બનાવી શહેરના બજારોમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન બે જાણીતી ચ્હાની દુકાનોમાં ઘરેલુ ગેસના જોડાણનો વ્યાવસાયિક ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. તંત્ર દ્વારા સ્થળ પરથી કુલ 5 ગેસ સિલિન્ડર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
તંત્રની આ કાર્યવાહી છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઘરેલુ ગેસનો છૂપી રીતે વ્યાવસાયિક ઉપયોગ થતો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખી ગેરરીતિ આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી સામાન્ય પરિવારોને સમયસર રાંધણ ગેસ મળી રહે અને બજારમાં કૃત્રિમ અછત ઉભી ન થાય.