દાસલવાડા ગામમાં 4 વર્ષના બાળકમાં ચાંદીપુરમના લક્ષણો જોવા મળ્યાં
(પ્રતિનિધિ) નડિયાદ, તા.18
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બાનમાં લેનાર ચાંદીપુરમના વારરસનો કહેર ખેડા જિલ્લામાં પગપેસારો કર્યો છે. કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ બાદ આ તાલુકાના ફુલજીની મુવાડીમાં ચાર વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો દેખાતા બાળ દર્દીને તાત્કાલિક ધોરણે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લામાં આ બીજો કેસ હોય આરોગ્ય તંત્રએ તમામ પ્રકારની કામગીરી ચાલુ કરી દીધી છે. હાલમાં સર્વેની કામગીરી તેમજ જે તે ગામમાં દીવાલની તિરાડો પુરવા માટેની કામગીરી ચાલે છે. આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, દાસલવાડાના બાળકના ચાંદીપુરમનો રિપોર્ટમાં નેગેટિવ આવ્યો છે.
ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરમના લક્ષણો વાળા રોગચાળાએ ધીમે ધીમે માથું ઉચકી રહ્યું છે. થોડા સમય પહેલા કપડવંજ તાલુકાના દાસલવાડામાં જોવા મળેલા શંકાસ્પદ ચાંદીપુરમના દર્દીને લઈ આરોગ્યની ટીમોને કામગીરી શરૂ કરી હતી. આ બાળકને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટ પુના લેબોરેટરીમાં મોકલ્યા હતા. જ્યાંથી નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે વધુમાં એવી પણ માહિતી મળી રહે છે કે, આ બાળકને ગઈકાલે સારું થઈ જતા રજા પણ આપી દેવામાં આવી છે. ત્યારે આજે ગુરૂવારે કપડવંજ તાલુકાના ફૂલજીના મુવાડા ગામ ખાતે શંકાસ્પદ ચાંદીપુરમ કેસ મળ્યો છે. ચાર વર્ષના આ બાળકને ચાંદીપુરમના રોગના લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો છે. વધુ એક શંકાસ્પદ કેસને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં મકાનોની સર્વે કરી જેટલી લીપણ વાળી દિવાલના કાણા પુરવાનું શરૂ કર્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એસ. ધ્રુવએ જણાવ્યું હતું કે, કપડવંજ તાલુકાના દાસલવાડામાં જોવા મળેલા શંકાસ્પદ ચાંદીપુરમના દર્દીનું લેબોટરીમાંથી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અને તેને સારું થઈ જતા રજા પણ આપવામાં આવી છે. બીજો એક ફુલજીના મુવાડામાં ચાર વર્ષીય બાળકમાં આ રોગ લાગુ પડ્યો છે તેને ચાંદીપુરમ રોગના લક્ષણો દેખાય છે. જેથી હાલમાં તે હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેના પણ રિપોર્ટ લેબોરટીમાં મોકલવામાં આવશે. હાલમાં જિલ્લામાં તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવાની કામગીરી ચાલી રહી છે. આરોગ્યની ટીમોને સર્વેની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે. વધુમાં જુના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના દિવાલોની તિરાડોને માટીના લીપણથી પુરાવવાની, કાચા મકાનોની દિવાલોની ફકત ધાર ઉપર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ અને ઢોર-કોઠારની ધાર પર જંતુનાશક પાઉડરથી ડસ્ટીંગ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દર્દીનું લોહી સેમ્પલ એન.આઈ.વી.-પુણે ખાતે પોઝીટીવની ખાત્રી કરવા મોકલી આપવાની કામગીરી હાલમાં ચાલે છે.
