કપડવંજના રેલીયા પોલીસ ચેક પોસ્ટ પર પાંચ વર્ષ પહેલા લાંચ માંગનારા તત્કાલીન 2 કોન્સ્ટેબલ અને જીઆરડી સામે ગુનો નોંધાયો
લાંચ માંગવા સહિતની વાતચીત મોબાઇલમાં રેકોર્ડીંગ કરી એસીબીમાં સીડી રજુ કરી હતી
પ્રતિનિધિ) કપડવંજ તા.17
કપડવંજ ગ્રામ્ય પોલીસ હદમાં આવતી રેલીયા ગામની ચેક પોસ્ટ પર પાંચ વર્ષ પહેલા ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલે ઘઉંના કટ્ટા ભરેલી ગાડી ઉભી રાખી હતી. આ સમયે ગાડી ચાલક સામે કોઇ દસ્તાવેજી પુરાવા ન હોવાથી તેમની પાસે પાંચ લાખની લાંચ માંગી હતી. જોકે, રકઝકના અંતે એક લાખ આપવાનું નક્કી થયુ હતું. જેમાં 80 હજાર આંગડિયા અને 10 હજાર ઓનલાઇન લીધા હતા. આ અંગેની વાતચીત મોબાઇલમાં રેકોર્ડીંગ કરી એસીબીમાં રજુ કરાઇ હતી. જ્યાં વોઇસ રેકોર્ડીગ એફએસએલ કરાયા બાદ મામલા અંગે બન્ને તત્કાલીન કોન્સ્ટેબલ અને જીઆરડી યુવક સામે ગુનો નોંધાયો છે.
કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ રણજીતસિંહ શીવાજી ઝાલા, કોન્સ્ટેબલ રાજેશ ભીખાભાઈ બારૈયા અને જીઆરડી રાજેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી વર્ષ 2021માં ફરજ બજાવતાં હતાં. તેઓ 17મી એપ્રિલ 2021ના રોજ રેલીયા પોલીસ ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતાં. આ દરમિયાન તેઓએ ઘઉંના કટ્ટા ભરેલી ટ્રક રોકી હતી. આ અંગે ચાલકની પુછપરછ કરતાં તે મોડાસાથી મુંબઇ જવા નિકળ્યો હોવાનું જણાવ્યું હતું. કોન્સ્ટેબલ અને જીઆરડીએ ટ્રકને લગતા કાગળો તથા ભરેલા સામાન અંગેના કાગળો માંગ્યાં હતાં. પરંતુ ચાલક આપી શક્યો નહતો. જેથી ટ્રક જમા લઇ તેની ઉપર કેસ કરવાની વાત કરી હતી. આ કેસ ન કરવો હોય તો રૂ. પાંચ લાખની માંગણી કરી હતી. જોકે, રકઝક બાદ એક લાખ લેવાના નક્કી થયાં હતા. જેમાં રૂ.80 હજાર આંગડીયા પેઢી મારફતે રૂ.80 હજાર રોકડા અને 10 હજાર ઓનલાઇન લીધાં હતાં. આમ, કુલ 90 હજાર લીધાં હતાં. આ સમયે લાંચની માંગણી અને સ્વિકૃતિ સંબંધે થયેલી વાતચીત, લેવડ-દેવડ મોબાઇલમાં રેકોર્ડીંગ કરી લીધું હતું. જેની સીડી એસીબીમાં રજુ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન લાંચની લેતીદેતી સંબંધે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લીધેલી હોવાના દસ્તાવેજી પુરાવા, ટેકનીકલ પુરાવા તથા વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા મળી આવ્યાં હતાં. આમ ગુનો સ્પષ્ટ થતાં ખેડા એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. પટેલે તત્કાલીન કોન્સ્ટેબલ રણજીતસિંહ શીવાજી ઝાલા, રાજેશ ભીખાભાઈ બારૈયા અને જીઆરડી રાજેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.