Charotar

કપડવંજમાં કાર – કન્ટેનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત

દીકરાના લગ્ન માણી પરત આવતા પિતા સહિત ત્રણને કાળ ભરખી જતા પરિવાર શોકાતુર

(પ્રતિનિધિ) નડિયાદ, તા.29

કપડવંજ ગતરોજ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ઈકો કારના ચાલકે ઓવરટેકની લ્હાયમાં સામેથી આવતી કન્ટેનર ટ્રક સાથે અથડાવતા ઈકો કારમાં સવાર 3 લોકોના કરૂણ મોત નિપજયા છે. તો વળી 8 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં પુત્રના લગ્ન માણી આવતા પિતા સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. લગ્રનો પ્રસંગ માતમમાં ફેરવાતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

કપડવંજ તાલુકાના સોરણા ગામે મિતેશભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.23) રહે છે. આ ગામમાં રહેતા અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલાના બે દિકરા ગણપત તેમજ દશરથના લગ્ન હતા. જે લગ્નની જાન ગામથી મહાદેવ પાખીયા ખાતે ગઈ હતી. જેમાં અરવિંદભાઈના પરિવારજનો અને ગ્રામજનો પણ જુદા જુદા વાહનો લઇને લગ્નમાં પહોંચ્યા હતા. આ લગ્ન પૂર્ણ કરી સોરણા ગામના કલ્પેશભાઈ રાયસિગભાઈ ખાંટની ઈકો કાર નંબર (GJ 27 DB 5737)માં  અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલા, મિતેશભાઈ પરમાર, કલ્પેશભાઈ ખાંટ સહિત 8 લોકો પરત ઘરે સોરણા મૂકામે આવી રહ્યા હતા. આ સમયે કાર રાજુ રામજીભાઈ રબારી ચલાવતા હતા. સમી સાંજે ઈકો કાર કપડવંજના આમલપુરા પાસેથી પસાર થતી હતી. તે વખતે આ કારના ચાલક રાજુભાઇ રબારીએ આગળ જતાં વાહનોને ઓવરટેક કરવા જતાં કપડવંજ તરફથી આવતી કન્ટેનર ટ્રક નંબર (HR 58 C 1181) સાથે ધડાકાભેર અકસ્માત સર્જી દીધો હતો. જેથી ઈકો કારનો લોચો વળી ગયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં પુત્રના લગ્ન માણી આવતા પિતાનો પણ સમાવેશ થાય છે. જ્યારે 8 લોકોને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો આ બનાવ મામલે ઈજાગ્રસ્ત મિતેશભાઈ રમેશભાઈ પરમારે ઉપરોક્ત ઈકો કાર ચાલક રાજુભાઇ રામજીભાઈ રબારી વિરૂધ્ધ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, લગ્નનો પ્રસંગ જેના ઘરે હતો તે ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી છે અને લાંબા સમયે તેમના દીકરાઓના લગ્ન થયા હતા. જે લગ્નનો પ્રસંગ જ માતમમાં ફેરવાયો છે. વાઘેલા પરિવારના મોભીએ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવાર પણ બેબાકળો બની ગયો છે.

મૃતકોના નામ

અરવિંદભાઈ ફુલાભાઈ વાઘેલા (રહે.સોરણા, તા.કપડવંજ)

કલ્પેશભાઈ રાયસીંગભાઈ ખાંટ (રહે.સોરણા, તા.કપડવંજ)

જયંતીભાઈ સાંકળભાઈ શર્મા (રહે.સોરણા, તા.કપડવંજ)

ઈજાગ્રસ્તોના નામ

રાજુભાઈ રામજીભાઈ રબારી ઈકો – કાર ચાલક (રહે.સોરણા, તા.કપડવંજ)

અશોકભાઈ બાલાભાઈ બારૈયા (રહે.સોરણા, તા.કપડવંજ)

મિતેશભાઈ રમેશભાઈ પરમાર (રહે.સોરણા, તા.કપડવંજ)

પ્રવીણભાઈ રાયસીંગભાઈ પરમાર (રહે.સોરણા, તા.કપડવંજ)

રાકેશભાઈ દશરથભાઈ દંતાણી (રહે.સોરણા, તા.કપડવંજ)

રાવજીભાઈ ફુલાભાઈ વાઘેલા (રહે.સોરણા, તા.કપડવંજ)

મનુભાઈ રાવજીભાઈ સોલંકી (રહે.સોરણા, તા.કપડવંજ)

શૈલેષભાઈ સાલમભાઈ વાઘેલા (રહે.સોરણા, તા.કપડવંજ)

Most Popular

To Top