પ્રાંત અધિકારી અને મા.અને મ.(રાજ્ય)ના.કા. ઈ.દ્વારા ઈન્સપેક્શન હાથ ધરાયું*
*સંગમ પુલ અને વાત્રક પુલનું નિર્માણ ૧૯૮૦ના અરસામાં થયું હતું*
*૨૦૧૪માં સંગમ પુલ ઉપર સ્લેબ કાસ્ટિંગ અને સુપર સ્ટ્રકચરલ અંગેની કામગીરી કરવામાં આવી હતી*
કપડવંજ: તાજેતરમાં આણંદ વડોદરા વચ્ચે ગંભીરા પાસેના પુલની હોનારત બાદ પ્રજાજનોમાં ભારે દહેશતની લાગણી ફેલાતી જાય છે. કપડવંજ નડિયાદ માર્ગ ઉપર આવેલા સંગમ નદીના પાસેના પુલની ક્ષમતા અંગે દહેશત ફેલાવા માંડી છે. આ પુલ અગાઉ તુટી પડ્યા બાદ સન-૧૯૮૦માં નવો બાંધવામાં આવ્યો હતો અને તેને અત્યારે ૪૫ વર્ષ પૂર્ણ થયા બાદ તેની ક્ષમતા અંગે પ્રશ્નાર્થ ઉદભવી રહ્યો હોવાથી તેનું સક્ષમ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે તેવી લોક લાગણી બળવત્તર બની છે. જેથી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને કપડવંજ તાલુકાના તમામ પુલનું ઈન્સપેક્શન નાયબ કલેક્ટર અને કપડવંજ પ્રાંત અધિકારી એ.પી.ઝાલા તથા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના ના.કા.ઈ.ઈજનેર એસ.એસ.કિશોરીએ કર્યું હતું.
તારણ અંગે ના.કા.ઈ. કિશોરીએ જણાવ્યું હતું કે બન્ને પુલ સારી અવસ્થા છે. બંને પુલને કશું પણ થાય તેમ નથી.અગાઉ મે માસમાં પણ તાલુકાના તમામ પુલનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું જ હતું.હાલ પાટનગર ગાંધીનગરને જોડતો કપડવંજથી ઉત્કંઠેશ્વર મહાદેવનો વાત્રક નદીના પુલ ઉપર રસ્તાની કામગીરી થઈ રહી છેતથા પુલમાં નાનુ મોટું રીપેરીંગ કરવામાં આવનાર છે. તે સિવાય તેની ક્ષમતા સારી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
*પ્રીમોન્સૂનમાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા મે-૨૦૨૫માં તાલુકાના તમામ પુલની ચકાસણી થઈ હતી- ના.કા.ઈ.*
પ્રીમોન્સૂનમાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા મેં ૨૦૨૫ માં બ્રિજ ચકાસણી રિપોર્ટ તૈયાર કર્યો હતો.જેમાં કપડવંજ,કલાજી,વ્યાસ વાસણા,મોટીઝેર,વરાસી બ્રિજ જેમાં હાલની સ્થિતિ સારી,કપડવંજ મોડાસા ભુતિયા બ્રિજ જેનું રીપેરીંગ ચાલુ છે,કપડવંજ નડિયાદ રોડ ઉપરના સંગમ પુલની સ્થિતિ સારી છે.કપડવંજ આતરસુંબા ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ વરાસી બ્રીજ કામગીરી ચાલુ છે જેમાં બેરિંગ બદલવાની કામગીરી બાકી છે.કપડવંજ આતરસુંબા ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર વાત્રક પુલમાં હાલની સ્થિતિ સારી છે તેમ માર્ગ અને મકાન વિભાગના ના.કા.ઈ.કિશોકીએ જણાવ્યું હતું.
*માર્ગ અને મકાન વિભાગની જિલ્લા કચેરી દ્વારા જિલ્લાના તમામ પુલનું નિરીક્ષણ કરવાના આદેશો કર્યા*
ખેડા જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ આવતા ૨૬ પુલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળના ૧૮ મેજર પુલનું નિરીક્ષણ કરવામાં આવશે.તપાસ માટેના સ્પષ્ટ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.અને ૨૦ વર્ષથી જુના પુલનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવશે.આ દરમિયાન જે તે પુલની માળખાકીય મજબૂતાઈ અને સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગની તમામ પેટા કચેરીઓના સેક્શન ઓફિસરને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવાનો આદેશ અપાયો છે.
*કોઈપણ પુલનું આયુષ્ય ૪૦ થી ૫૦ વર્ષ જેટલું હોય છે તેનું નિયમિત ઈન્સપેક્શન કરવાની જવાબદારી તંત્રની છે: માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત સિવિલ ઈજનેર*
માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત સિવિલ ઈજનેર પી.એ.પટેલ(કપડવંજ)નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કોઈપણ પુલનું આયુષ્ય ૪૦ થી ૫૦ વર્ષ જેટલું હોય છે.જ્યારે રસ્તાનું સાત વર્ષ પછી સરફેસ રીન્યુઅલ કરવાની હોય છે.માર્ગ અને મકાન વિભાગમાં રજીસ્ટર દરેક નાળા,સ્લેબ,ડેઈન અને પુલ ઈન્સપેકશન રીપોર્ટ કરવાનો હોય છે.અને સ્ટ્રક્ચર એન્જિનિયર ઇન્સ્પેક્શન કરે અને જે ખામીઓ બતાવે તે ખામીઓ દૂર કરવી પડે.પુલનું ઇન્સપેકશન કરવું પડે અને પુલના ફાઉન્ડેશન ચકાસવા પડે અને સ્ટ્રક્ચર એન્જિનિયર ચકાસણી ડિઝાઇનમાં શું ખામી છે કે પિલ્લર ખરાબ છે કે સ્લેબ ખરાબ છે અને જો ક્ષતિ હોય તો તે દૂર કરવી પડે. પિલ્લર રબલ ડમ્પીંગ નાખી પુરવા પડે.આમ ઇન્સપેકશન બાદ ખામીઓ દુર કરવામાં આવે તો જ વાહન વ્યવહાર ચાલુ રાખવાનો હોય છે.