કપડવંજ: કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામમાં દીપડો દેખાયાની આશંકાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામ વિસ્તારમાં વન્ય પ્રાણી દેખાયાની ફરિયાદ મળતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે અને સાવચેતીરૂપે પાંજરૂ મુકીને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ફતિયાવાદ ગામના રહીશોએ કાબરચિતરા રંગના દીપડાને જોયો હોવાનું જણાવ્યું છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે વન્ય પ્રાણીએ એક બકરીનું મારણ કર્યું હતું તેમજ એક બકરો ખેંચી લઈ ગયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે ગામમાં સાંજ પછી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પશુધનને સુરક્ષિત સ્થળે રાખવાની તકેદારી લઈ રહ્યા છે.
ગ્રામજનોએ સમયસૂચકતા દાખવી વન વિભાગ–કપડવંજને જાણ કરતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગ દ્વારા પાંજરૂ મુકીને લાંબા સમય સુધી વોચ રાખવામાં આવી હતી તેમજ બીજા દિવસે પણ દેખરેખ ચાલુ રાખવામાં આવી છે.
આ બાબતે વન અધિકારી વિનલ પટેલે જણાવ્યું હતું કે, દીપડો અથવા અન્ય કોઈ વન્ય પ્રાણી દેખાયાની માહિતી મળતા તાત્કાલિક પાંજરૂ મુકવામાં આવ્યું છે. હાલ સુધીની દેખરેખ દરમિયાન કોઈ વન્ય પ્રાણી નજરે પડ્યું નથી. નર્મદા નહેરની નજીક ઘાટ ઝાડી તથા જંગલ વિસ્તાર હોવાના કારણે વન્ય પ્રાણીની અવરજવર શક્ય હોવાનું નકારી શકાય નહીં. સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
વન વિભાગ દ્વારા ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેતી રાખવા, એકલા બહાર ન નીકળવા અને કોઈ શંકાસ્પદ હલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.