જાંબુવા અને તરસાલી બાદ હવે અલકાપુરી: છેલ્લા કેટલાક દિવસોમાં 3 કામદારોના મૃત્યુએ સેફ્ટી કાયદાઓના અમલ સામે ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો
વડોદરા શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર શ્રમજીવીઓની સલામતી માટે પૂરતી વ્યવસ્થાના અભાવે અકસ્માતો અને મોતની ઘટનાઓ સતત વધી રહી છે. રવિવારે અલકાપુરી વિસ્તારમાં વધુ એક શ્રમજીવીનું કામ દરમિયાન નીચે પટકાતા કરૂણ મોત નીપજ્યું છે, જેના કારણે શહેરના બાંધકામ ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગણતરીના દિવસોમાં આ ત્રીજી ઘટના હોવાથી શ્રમજીવીઓની સુરક્ષાને લઈને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર સખત ટીકા થઈ રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ દુઃખદ ઘટના રવિવારે સવારે આશરે 9:30 વાગ્યે અલકાપુરીની વિશ્વાસ કોલોની ખાતે આવેલી રામા સ્પેક્ટ્રા નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી.
મૃતક શ્રમજીવીનું નામ રાજદેવ સુખદેવ રાય (ઉં.વ. 50) હતું, જેઓ મૂળ બિહાર રાજ્યના મુઝફ્ફરપુરના રહેવાસી હતા અને રોજીરોટી અર્થે વડોદરા આવ્યા હતા.
પ્રાથમિક વિગતો અનુસાર, રાજદેવ રાય ત્રીજા માળે સીડી મૂકીને કોઈ કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનું સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ નીચે જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સાઇટ પર હાજર અન્ય લોકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે અટલાદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માથાની ગંભીર ઈજાને કારણે તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
આ ઘટના અંગે અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સાઇટ પરના સુરક્ષાના ધોરણોની તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના અભાવે થયેલા મોતની આ ગણતરીના દિવસોમાં ત્રીજી ઘટના છે, જે શહેરમાં સુરક્ષા પ્રત્યેની બેદરકારીની ગંભીરતા દર્શાવે છે:
ગઈકાલે (શનિવારે): શહેરના જાંબુવા ગામ નજીક આવેલી સહજ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા એક શ્રમજીવીનું પહેલા માળે પાણી છાંટતી વખતે નીચે પટકાતા મોત થયું હતું.
તાજેતરમાં: તરસાલી બાયપાસ નજીક આવેલી કાન્હા નિર્મલ સાઇટના બીજા માળે પ્લમ્બિંગનું કામ કરતા અન્ય એક શ્રમજીવીને કરંટ લાગતા તેમનું પણ મોત નીપજ્યું હતું.
– નિયમ મુજબ કામ નહીં…
એક વાત ચોક્કસ છે કે પાલિકાની ગાઈડ લાઈન પ્રમાણે બિલ્ડરો કામ કરતા નથી. જે અધિકારીએ શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇડ નિયમ મુજબ થઈ રહ્યું છે કે નહીં તેનું નિરીક્ષણ કોઈ કરતું નથી. જેના કારણે શ્રમજીવીઓ ના જીવ જાય છે. સતત બની રહેલી આ ઘટનાઓ સ્પષ્ટપણે સૂચવે છે કે, વડોદરા શહેરની અનેક કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સેફ્ટી હાર્નેસ, હેલ્મેટ, સેફ્ટી નેટ જેવા મૂળભૂત સલામતીના સાધનો અને નિયમોનું ગંભીરપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઊંચાઈ પર કામ કરતી વખતે શ્રમજીવીઓને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી, જેના કારણે તેમના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.