વડોદરા, તા.1:
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી ગેરકાયદે રીતે કતલખાને લઈ જવાતા 18 પશુઓને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની ટીમે બચાવ્યા હતા. બોડકા ગામની સીમમાંથી પશુઓ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. કરજણ પોલીસે કન્ટેનર સહિત મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી નેહા દ્વારકેશભાઈ પટેલ, જે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની સક્રિય સભ્ય છે, તેમને 28 ફેબ્રુઆરીએ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના માલેગાંવ સ્થિત કતલખાને પશુઓ લઈ જવાઈ રહ્યા છે. બાતમીના આધારે તેમની ટીમ પાદરા નજીક એક્સપ્રેસ હાઇવે પર પહોંચી અને વડોદરા ગ્રામ્ય પોલીસ કંટ્રોલને જાણ કરી મદદ માંગી હતી.
બોડકા ગામની સીમમાં શંકાસ્પદ કન્ટેનર આવતાં તેને રોકવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ડ્રાઈવર મહમદ આરિફ રફિક સિંધી અને હસનખાન સલીમખાન નાગોરી મળી આવ્યા હતા. પૂછપરછમાં પશુઓ મહારાષ્ટ્રના ધુલિયા-માલેગાંવ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
કન્ટેનરમાંથી 18 પશુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. Karjan Police Station દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.