નોકરી પરથી પરત ફરતા ત્રણ મિત્રોની બાઈકને સામેથી ટક્કર, બેને ઈજા
ગંભીર રીતે ઘાયલ યુવકનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
કાલોલ, તા. ૨૮:
કાલોલ તાલુકાના કણેટીયા નર્મદા કેનાલના સીઆર ગેટ પાસે નારણપુરા તરફ જતા માર્ગ પર મહેન્દ્રા પીકઅપ ચાલકે બેદરકારીપૂર્વક મોટરસાયકલને ટક્કર મારતા ૨૦ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાલોલ પોલીસે પીકઅપ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ સણસોલી પાની મુવાડી ખાતે રહેતા સુરપતસિંહ ઉદેશી રાઠોડ, તેમના મિત્રો પંકજસિંહ દિલીપસિંહ રાઠોડ અને ધ્રુવદીપસિંહ બિપીનકુમાર ગોહિલ (ઉ.વ. ૨૦) હાલોલ ખાતે નોકરી કરતા હતા અને એક જ મોટરસાયકલ પર આવજા કરતા હતા. ગત બુધવારે રાત્રે અંદાજે ૧૦:૩૦ વાગ્યે નોકરી પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે કણેટીયા સીઆર ગેટ પાસે સામેથી પૂરઝડપે આવેલી મહેન્દ્રા પીકઅપે તેમની બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં પંકજસિંહ અને સુરપતસિંહને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે ધ્રુવદીપસિંહને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ સણસોલી દવાખાને અને ત્યારબાદ કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવને લઈને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા મહેન્દ્રા પીકઅપ ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા