અમૂલ ડેરીના 78મા સ્થાપના દિવસ તેમજ સરદાર પટેલની 149મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ
અમૂલ દ્વારા ટોટલ મિક્સ રાશન પ્લાન્ટ અને કણજરી – કાપડીવાવ ખાતે સોલર પ્લાન્ટનો પ્રારંભ કરાયો
(પ્રતિનિધિ) આણંદ તા.29
આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે 78મો અમૂલ સ્થાપના દિવસ તેમજ સરદાર પટેલની 149મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે હજારથી વધુ સંખ્યામાં દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી હાજર રહ્યાં હતાં. આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે એનડીડીબીના ચેરમેન ડો. મિનેશભાઈ શાહ, સંઘના ચેરમેન વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર તેમજ નિયામક મંડળના દરેક સભ્ય હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ડો. મિનેશભાઇ શાહ દ્વારા સારસા ખાતે ટીએમઆર પ્લાન્ટ તેમડ કાપડીવાવ, કણજરી પશુદાણ ફેક્ટરી ઉપર સ્થાપિત એક મેગા વોટ સોલાર પ્લાન્ટનું ઇ-ઇનોગ્રેશન કર્યું હતું.
આ પ્રસંગે વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, કણજરી ખાતે સ્થાપિત ટીએમઆર પ્લાન્ટ અતિઆધુનિક મશીનોથી સુસજજ છે. જેમાં ઓટોમેટિક રિ-મટિરિયલ ફિડર, મિનરલ ડિસ્પેન્સર, ટીએમઆર મિક્સચર તેમજ ઓટોમેટીક બેગ પેકીંગ મશીન સ્થાપિત કરેલું છે. આ પ્લાન્ટ દેશમાં આપણા દૂધ સંઘ દ્વારા સૌ પ્રથમ સ્થાપિત કરેલો પ્લાન્ટ છે. આવનારા સમયમાં ઉંદેલ ખાતે પણ ટીએમઆર પ્લાન્ટ સ્થાપવાની યોજના છે.
વિપુલભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણે આર્થિક બચતને ધ્યાનમાં લઇ કેટલ ફિડ ફેક્ટરી કણજરી તેમજ કાપડીવાવ ખાતે બે મેગા વોટ ક્ષમતા ધરાવતો સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. અમૂલ દ્વારા અત્યાર સુધીમાં 750 દૂધ મંડળીઓમાં સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યાં છે અને માર્ચ-2025 સુધી તમામ દૂધ મંડળીમાં સોલર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન અલગ અલગ વિષયમાં સારૂ કાર્ય કરેલા દૂધ મંડળીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. બાદમાં આભાર વિધિ સંઘના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે કરી હતી.
આવતા 20થી 30 વર્ષ ડેરી ઉદ્યોગનો છે
એનડીડીબીના ચેરમેન ડો. મિનેશભાઇ શાહે જણાવ્યું હતું કે, હાલમાં તેઓ પેરિસ ખાતે આઈડીએફ કોન્ફરન્સમાં સહભાગી ઘયાં હતાં. જ્યાં એક જ વાત વારંવાર કરી હતી કે, આવતા 20થી 30 વર્ષ ભારતમાં ડેરી ઉદ્યોગના છે. જો તમે ભારતમાં નથી તો તમે ભારત સાથે જોડાઓ અને ઇન્ડસ્ટ્રી સાથે કામ કરો. દેશની ટેકનોલોજીથી સેક્સ શોર્ટેડ સિમેન હાલમાં જે ભાવે મળે છે, તેનાથી અડધા ભાવે મળતું થશે. જે પશુપાલકને ફાયદો થશે. તેવી જ રીતે આઈવીએફ પદ્ધતિ પણ બિન ખર્ચાળ બનશે. તેનો લાભ પશુપાલકોને થશે. હાલમાં જ પશુઓ માટે ગૌ ચીપ લોન્ચ કરી છે, તેનાથી ભવિષ્યમાં પાડી કે વાછરડી કેટલુ દૂધ આપી શકાશે ? તેના વિશે પણ પશુપાલકોને ખ્યાલ આવશે. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી અંતર્ગત હાલમાં જ અમૂલ ડેરી, એનડીડીબી તેમજ જાપાની સુઝુકી કંપની સાથે ત્રિ – પક્ષીય કરાર થયો છે. જે અંતર્ગત ઓડ ખાતે આવતા વર્ષ સુધીમાં બાયોગેસ પ્લાન્ટનુ નિર્માણ કરવામાં આવશે અને તે પણ લોન્ચ કરવામાં આવશે.