Padra

કડાણા ડેમમાંથી પાણી છોડાતા પાદરા તાલુકાના મહીસાગર કાંઠા ગામોને એલર્ટ

પાદરા:
ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ સર્જાતા કડાણા ડેમમાં પાણીની આવક ઝડપથી વધી હતી. જેના કારણે ડેમમાંથી અંદાજે 8 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે મહીસાગર નદીમાં જળપ્રવાહ વધી ગયો છે અને હાલ નદી બે કાંઠે વહે રહી છે.

આ અચાનક વધેલા પાણીના પ્રવાહને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પૂરની સંભાવના ઉભી થવા પામી છે. વહીવટી તંત્રે તાત્કાલિક પગલા રૂપે 12 જેટલા ગામોને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં મુખ્યત્વે ડબકા, ચોકારી, પાવડા, જાસપુર, મુજપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે.
તળિયા ભાઠા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળ ખાલી કરવાની તથા સુરક્ષિત સ્થાનો પર ખસવાની સૂચનાઓ આપવામાં આવી છે. નદીકાંઠે વસવાટ કરતા લોકોને તંત્ર દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે.



સ્થિતિની ગંભીરતા જોતા પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાત્કાલિક ડબકા ગામે પહોંચી ગયા હતા. તેમણે નદીકાંઠે જઈને સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામજનોને સાવચેતી રાખવાની તથા તંત્ર સાથે સહકાર આપવા અપીલ કરી હતી.

આ પ્રસંગે પાદરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પ્રદીપસિંહ જાદવ, ડબકા ગામના માજી સરપંચ, ગ્રામજનો તથા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નદીકાંઠાના વિસ્તારને ખાલી કરાવવા, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તેમજ ૨૪ કલાક મોનીટરીંગ રાખવા તંત્રએ જરૂરી આયોજન હાથ ધર્યું છે.

વહીવટી તંત્ર તરફથી જણાવાયું છે કે પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને જળપ્રવાહમાં કોઈપણ વધઘટ થશે તો તાત્કાલિક માહિતી ગામલોકો સુધી પહોંચાડવામાં આવશે.

તસવીર: પ્રવિણ ગાંધી, પાદરા

Most Popular

To Top