રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાઇને રાખડી બાંધવા જઇ રહેલા બહેન કાળનો કોળિયો બની
(પ્રતિનિધિ) કડાણા તા.20
કડાણા તાલુકાના બચકરીયા છાયા મહુડા ચોકડી પર ડીટવાસ તરફથી પાંડરવાડા રોડ પર પુરપાટ ઝડપે જતી બાઇકે અન્ય એક બાઇક સાથે ધડાકાભેર અકસ્માત સર્જી દીધો હતો. જેના કારણે બાઇક સવાર દંપતનીનું મોત નિપજ્યું હતું. આ અંગે ડીટવાસ પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા ભાવેશકુમાર મનુરભાઈ ડામોર ખેતી કામ કરે છે. તેમના પિતા મનુરભાઈ હાથીભાઈ ડામોર (ઉ.વ.54) તથા માતા સુજીબહેન (ઉ.વ.53) સાથે રહે છે. સુજીબહેનના ભાઇ કડાણા તાલુકાના બચકરીયા ઉત્તર ગામે રહે છે. દરમિયાનમાં 19મી ઓગષ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર હોવાથી બપોરના એકાદ વાગ્યાના સુમારે મનોરભાઈ અને સુજીબહેન બાઇક લઇને કડાણાના બચકરીયા ગામમાં ભાઈને રાખડી બાંધવા નિકળ્યાં હતાં. પરંતુ બપોરના સુમારે જાણવા મળ્યું હતું કે, મનુરભાઈ તથા સુજીબહેનને બચકરીયા છાયા મહુડા ચોકડી રોડ પર અકસ્માત થયો છે. આથી, ભાવેશ તુરંત સ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે મહુડા ચોકડી પાસે ઘણા માણસો ભેગા થયાં હતાં. ભાવેશે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના પિતા મનોરભાઈ તથા માતા સુજીબહેન બાઇક લઇ પાંડરવાડા તરફથી આવી રહ્યાં હતાં, તે વખતે ચોકડી પાસે બાઇક નં.જીજે 31 જે 6823ના ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. જેમાં મનોરભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે સુજીબહેનને સારવાર માટે ડીટવાસ હોસ્પિટલ લઇ ગયાં હતાં. જ્યાં સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે લુણાવાડા લઇ ગયાં હતાં. પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે ભાવેશે ડીટવાસ પોલીસ મથકે બાઇક નં.જીજે 31 જે 6823ના ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.