Vadodara

કડક બજાર પાસે મહિલાનો પગ ગટરના ઢાંકણામાં ફસાયો



ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ મહિલાનો પગ બહાર કાઢ્યો

સદભાગ્યે માત્ર સામાન્ય વરસાદ પડતો હોવાથી મોટી દુર્ઘટના ટળી

વડોદરા: વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીના દાવા એક ઘટના સામે ખોખલા સાબિત થયા છે. શહેરના કડક બજાર વિસ્તાર નજીકથી પસાર થતી એક મહિલાનો પગ અચાનક ગટરના ઢાંકણામાં ફસાઈ જતા હાહાકાર મચી ગયો હતો.

ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ ચીસો અને બુમરાણ વચ્ચે તરત જ મહિલાની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાનો પગ એટલો જકડીને ફસાઈ ગયો હતો કે અંતે ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવાની ફરજ પડી. કલાકોની જેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે મહિલાનો પગ બહાર કાઢવામાં સફળતા મેળવી.
રાહતની બાબત એ રહી કે ઘટના સમયે માત્ર સામાન્ય વરસાદ પડ્યો હતો. જો ભારે વરસાદ ચાલી રહ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટના ને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

શહેરના અનેક વોર્ડ માં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ગટરો ખુલ્લા પડેલા હોવાથી અકસ્માતની સંભાવના સતત મંડરાતી રહે છે. નાગરિકો વારંવાર આ અંગે રજૂઆતો કરી ચૂક્યા હોવા છતાં તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યાં નથી.
આ ઘટનાએ ફરીવાર સાબિત કર્યું છે કે વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી અધૂરી અને બનાવટ પૂરતી રહે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના ઢાંકણાં ખૂલેલા અને વરસાદી પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે નાગરિકોને રોજીંદી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નાગરિકોના કહેવા મુજબ, “જયારે સામાન્ય વરસાદમાં જ પરિસ્થિતિ આવી છે, ત્યારે જો ભારે વરસાદ વરસે તો મોટી દુર્ઘટનાઓની શક્યતા વધી શકે છે.” હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ઘટનામાંથી કોઈ શીખ લે છે કે નહીં.

Most Popular

To Top